INTERNATIONAL

ઈરાને સમુદ્ર નીચે આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવવાની ધમકી આપી !!!

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે વિશ્વભરમાં પહેલાથી જ ઈંધણ સંકટ ઊભું થયું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં પેટ્રોલ, ડીઝલ અને LPG જેવી વસ્તુઓની સપ્લાય ચેઈન પર ભારે અસર પડી છે. હવે આ યુદ્ધ વધુ ખતરનાક વળાંક લઈ રહ્યું છે કારણ કે ઈરાને સમુદ્ર નીચે આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવવાની ધમકી આપી છે. આ ધમકી બાદ વિશ્વના અનેક દેશો અને મોટી ટેક કંપનીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

અહેવાલો મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટની નીચે પસાર થતી અંડરસી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સને નિયંત્રણમાં લેવા અથવા નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યું છે. આ કેબલ્સ એશિયા, યુરોપ અને ગલ્ફ દેશો વચ્ચે ઈન્ટરનેટ અને ડેટા ટ્રાન્સફર માટે સૌથી મહત્વપૂર્ણ લાઈફલાઇન માનવામાં આવે છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે હવે આ કેબલ્સ પર “ટોલ ટેક્સ” વસૂલવામાં આવશે. તેની સીધો અર્થ એ છે કે ગુગલ, માઈક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓએ ઈરાનને ફી ચૂકવવી પડી શકે છે.

માહિતી અનુસાર, AAE-1, ફાલ્કન નેટવર્ક અને ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ જેવી અનેક મહત્વપૂર્ણ કેબલ સિસ્ટમો હોર્મુઝ વિસ્તારમાંથી પસાર થાય છે. AAE-1 નેટવર્ક દક્ષિણપૂર્વ એશિયાને યુરોપ સાથે જોડે છે, જ્યારે ફાલ્કન નેટવર્ક ભારત અને શ્રીલંકાને ગલ્ફ દેશો સાથે જોડે છે. ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ સમગ્ર ગલ્ફ વિસ્તાર માટે ડિજિટલ કનેક્ટિવિટી પૂરું પાડે છે. જો આ કેબલ્સને નુકસાન થાય તો વૈશ્વિક ઈન્ટરનેટ સ્પીડ ધીમી પડી શકે છે, ઓનલાઇન બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાન્સફર પર ગંભીર અસર થઈ શકે છે.

માહિતી અનુસાર, દુનિયાના લગભગ 99 ટકા આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ ટ્રાફિક માટે આ સબમરીન કેબલ્સનો ઉપયોગ થાય છે. UAE, કતાર, બહેરીન અને સાઉદી અરેબિયા જેવા દેશોએ AI અને ક્લાઉડ ટેક્નોલોજીમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને તેઓ આ કેબલ્સ પર ખૂબ નિર્ભર છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કેબલ્સમાં ખલેલ પહોંચે તો શેરબજાર, ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ સર્વિસ જેવી સેવાઓ પર વૈશ્વિક સ્તરે અસર પડી શકે છે.

ટેલિકોમ નિષ્ણાતો અનુસાર, હાલમાં સબમરીન કેબલ્સનો કોઈ સંપૂર્ણ વિકલ્પ ઉપલબ્ધ નથી. સ્ટારલિંક જેવા સેટેલાઇટ નેટવર્ક મર્યાદિત સહાય આપી શકે છે, પરંતુ તેઓ કરોડો વપરાશકર્તાઓના ભારે ડેટા ટ્રાફિકને સંભાળી શકતા નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી હુમલાની શક્યતાઓ વધી રહી છે અને વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં વૈશ્વિક ઈન્ટરનેટ અને અર્થતંત્ર બંને માટે જોખમ વધી શકે છે.

Back to top button
error: Content is protected !!