પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું
ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને મંગળવારે જુલાઈ 2025 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. પાકિસ્તાનને જાન્યુઆરી 2025માં બે વર્ષના કાર્યકાળ માટે સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટવામાં આવ્યો છે. પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં પૂર્ણ સમર્થન સાથે સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય ચૂંટવામાં આવ્યો છે. અને તેને 193માંથી 182 વોટ મળ્યા હતાં. સુરક્ષા પરિષદની અધ્યક્ષતાનું પદ મહિના પ્રમાણે 15 સભ્યો વચ્ચે વારાફરથી બદલાય છે.
નોંધનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધુ હતું, જેનો બદલો હવે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અધ્યક્ષ બનીને લઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત આસિમ ઈફ્તિખાર અહમદે સરકારી એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન (એપીપી)ના સંવાદદાતાને જણાવ્યું કે, પાકિસ્તાનની અધ્યક્ષતા પારદર્શી હશે, રાજદૂત ઈફ્તિખાર જુલાઈમાં પ્રમુખ વૈશ્વિક મુદ્દાઓ પર સુરક્ષા પરિષદની બેઠકોની અધ્યક્ષતા કરશે.
જુલાઈમાં અધ્યક્ષપદના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન બહુપક્ષવાદ અને વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન, તેમજ સંયુક્ત રાષ્ટ્ર- ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી) સહયોગ પર બે ઉચ્ચસ્તરીય કાર્યક્રમોની યજમાની કરશે. તેમણે કહ્યું કે વિષય બહુપક્ષવાદ, કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં ક્ષેત્રીય સંગઠનો સાથે સહયોગ કરવાને પ્રાથમિકતા આપશે. ઉપરાંત પશ્ચિમ એશિયાની સ્થિતિ તેમજ આફ્રિકા, યૂરોપ, એશિયા અને લેટિન અમેરિકાના ઘટનાક્રમો સહિત પ્રમુખ વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રાજદૂત ઈફ્તિખાર પહેલા જ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસ સાથે મળી ચૂક્યા છે અને તેમને જુલાઈમાં સુરક્ષા પરિષદના કાર્યભારને લઈને જાણકારી આપી દીધી હતી. નોંધનીય છે કે, આ પહેલા પાકિસ્તાન 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69 અને 1952-53 દરમિયાન સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય હતો.