INTERNATIONAL

ફ્રાન્સ સહિતના દેશોમાં રૅકોર્ડબ્રેક તાપમાને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી, 40 લોકોના મોત

જૂન 2026નો મહિનો સમગ્ર યુરોપ માટે ભયાનક સાબિત થઈ રહ્યો છે. ફ્રાન્સ સહિતના દેશોમાં રૅકોર્ડબ્રેક તાપમાને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નૂએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, 18 જૂનથી અત્યાર સુધીમાં ગરમીના પ્રકોપ વચ્ચે 40 લોકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. આ મૃતકોમાં મોટાભાગના યુવાનો હતા, જેઓ અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે કોઈ પણ પ્રકારની દેખરેખ વગરની નદીઓ, નહેરો અને તળાવોમાં નહાવા પડ્યા હતા.

હવામાન વિભાગ ‘મેટીયો ફ્રાન્સ’ના અહેવાલ મુજબ, મંગળવારનો દિવસ દેશનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, જેમાં દક્ષિણ-પશ્ચિમના એક શહેરમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. હાલમાં ફ્રાન્સના 54 વિભાગોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે બુધવાર સુધીમાં વધીને 58 થઈ શકે છે. ગરમીની ગંભીરતાને જોતાં પ્રખ્યાત એફિલ ટાવર અને લૂવ્ર સંગ્રહાલય જેવા પ્રવાસન સ્થળોના કામકાજના કલાકો ઘટાડી દેવાયા છે, શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે અને સમગ્ર ટ્રાન્સપોર્ટ નેટવર્ક ખોરવાઈ ગયું છે.

યુરોપમાં પડી રહેલી આ ભયાનક ગરમી માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ બ્રિટન, ઈટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને સ્પેન જેવા દેશો પણ હાલ કાળઝાળ ધૂપમાં શેકાઈ રહ્યા છે. WMOના રિપોર્ટ અનુસાર, યુરોપ દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો મહાદ્વીપ છે, જ્યાં તાપમાન વધવાની ગતિ વૈશ્વિક સરેરાશ કરતાં બમણી છે. આ જ કારણે અહીં લાંબા સમય સુધી ચાલતી તીવ્ર ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. બ્રિટનમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની આશંકાને પગલે શાળાઓના સમય બદલી નાખવામાં આવ્યા છે. બીજી તરફ, સ્પેન અને ઈટાલીમાં પણ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અસહ્ય ગરમીને લીધે રેલવેના પાટા વળી જવાની અને ફ્લાઇટ્સ ખોરવાઈ જવાની ગંભીર અસરો સામે આવી છે.

હવામાન નિષ્ણાતોના મતે, આ ભયંકર ગરમી પાછળ ‘ઓમેગા બ્લોક’ નામની મોસમી સિસ્ટમ જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ગરમ હવાના તરંગો યુરોપની ઉપર એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા છે, જે ઠંડી હવાને અંદર આવતા રોકે છે. આ ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રો વરસાદને અટકાવીને તાપમાનમાં સતત વધારો કરી રહ્યા છે. આ સાથે જ ક્લાયમેટ ચેન્જ અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જને આ સમસ્યાને વધુ ઘાતક બનાવી દીધી છે. આર્કટિક અને આલ્પસના બરફના ક્ષેત્રો ઝડપથી પીગળી રહ્યા છે અને સમુદ્રનું તાપમાન પણ રૅકોર્ડ સ્તરે છે, જે ભવિષ્યમાં વધુ ખતરનાક ગરમીનો સંકેત આપે છે.

ફ્રાન્સના રમતગમત મંત્રી મરીના ફેરાનીએ જણાવ્યું કે, ગરમીથી રાહત મેળવવાની લોકોની ઇચ્છા સમજી શકાય તેવી છે, પરંતુ સુરક્ષા વગરની જગ્યાઓ પર તરવા જવું અત્યંત જોખમી છે. વડાપ્રધાને આ ઘટનાને મોટી વિપદા ગણાવી છે. ગત વર્ષે પણ ગરમી દરમિયાન ડૂબવાની ઘટનાઓમાં 172 ટકાનો મોટો વધારો થયો હતો અને આ વર્ષે ગરમી વહેલી અને તીવ્ર હોવાથી સ્થિતિ વધુ વણસી છે. બ્રિટનમાંથી પણ આવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે.

હવામાન વિભાગોના અંદાજ મુજબ, આ આકરો ઉનાળો હજુ સપ્તાહના અંત સુધી યથાવત્ રહી શકે છે. કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે પરંતુ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. વહીવટીતંત્રે લોકોને ઘરોમાં રહેવા, વધુ પ્રમાણમાં પાણી પીવા અને વડીલો તેમજ બાળકોની ખાસ સંભાળ રાખવાની અપીલ કરી છે. આ વૈશ્વિક કટોકટી દર્શાવે છે કે સરકારોએ તાત્કાલિક જાગૃતિ અભિયાન અને લાંબાગાળાના પર્યાવરણીય પગલાં ભરવા ખૂબ જ જરૂરી બન્યા છે.

Back to top button
error: Content is protected !!