INTERNATIONAL

રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, કીવમાં 540 ડ્રોન, 11 મિસાઇલ ઝીંકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આક્રમક બની ગયા છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલોથી યુક્રેનની રાજધાની કીવ પર ભયાનક હુમલો કર્યો છે. હુમલામાં અનેક બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગયા હોવાના અને ગાડીઓ હવામાં ઉછળી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

યુક્રેન વાયુસેનાએ રોયટર્સને કહ્યું કે, ‘રશિયન સેનાએ કીવ પર 540 ડ્રોન અને 11 બેલેસ્ટિક મિસાઇલો ઝીંકી છે. હુમલામાં લગભગ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કીવના છ જિલ્લાના રહેણાક વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની છે. રેલવે સ્ટેશનને પણ નુકસાન થયું છે. એટલું જ નહીં મિસાઇલ હુમલામાં અનેક ગાડીઓ હવામાં ઉછળી છે.’ યુક્રેન વાયુસેનાએ એવું પણ કહ્યું કે, ‘રશિયાના ભયાનક હુમલાના કારણે કીવમાં આખી રાત સાયરન વાગતી રહી અને રશિયન હુમલા અંગે લોકોને ઍલર્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે યુક્રેનના લોકોને બચાવવામાં સફળતા મળી છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે.’

રૉયટર્સના રિપોર્ટ મુજબ, ‘કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ કહ્યું કે, રશિયા સેનાનું મુખ્ય ટાર્ગેટ રાજધાની કીવ હતું. ગત રાત્રે ધડાકા અને ગોળીબારનો સતત અવાજ સંભળાતો રહ્યો હતો.’ હુમલાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં લોકો જીવ બચાવવા આમતેમ ભાગતાં જોવા મળી રહ્યા છે. અનેક બિલ્ડિંગોમાં આગ લાગ્યા બાદ ફાયર કર્મચારીઓની ટીમ તુરંત દોડી આવી છે અને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે.’

યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે, ‘અમારી વાયુસેનાએ હવામાં જ 450થી વધુ ડ્રોન તોડી પાડ્યા છે. દેશભરમાં 8 સ્થળો પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. ગુરુવારે મોડી રશિયન સેનાએ રાત્રે ઇસ્ટ યુક્રેનના પોક્રોવસ્ક શહેરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા છે. હુમલામાં કીવના અનેક રેલવે સ્ટેશનને નુકસાન થયું છે, જેના કારણે ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.’

રિપોર્ટ મુજબ, ‘કીવના મેયરે કહ્યું કે, ગત દિવસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે ફોન પર વાત કરી હતી. વાતચીતમાં પુતિને ટ્રમ્પને કહ્યું કે, અમે યુક્રેનમાં અમારો ટાર્ગેટ જરૂર પૂરો કરીશું, પરંતુ યુદ્ધવિરામ માટે વાતચીત કરવા માટે તૈયાર છે.’ પુતિન સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. બીજીતરફ અમેરિકાએ યુક્રેનને હથિયારો આપવાનું બંધ કરતાં કીવે ચિંતા વ્યક્ત કરી હતી. કીવે કહ્યું કે, અમને હથિયારો નહીં મળે તો અમારી બચવાની ક્ષમતા ઘટી જશે, તેથી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy) સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે વાતચીત કરશે.

Back to top button
error: Content is protected !!