જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ
ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે ગિરનાર લીલી પરિક્રમા શરૂ કરવા અનુરોધ

ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ આપી સૂચના
ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાનો તા.૨ નવેમ્બર થી પ્રારંભ થશે : ભાવિકોને પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે ન લાવવા અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.


આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરશ્રીએ સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી એસ.બી.બારડ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણીપુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




