જૂનાગઢ તાલુકાના તમામ ગામના સરપંચો સાથે અલગ અલગ વિષયો ઉપર પરિસંવાદ કાર્યક્રમ યોજયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાયની સૂચના અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા “સરપંચ – પોલીસ પરીસંવાદ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જૂનાગઢ ગ્રામ્ય વિભાગના ડીવાય.એસ.પી. હિતેશ ધાંધલ્યા અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એફ.બી. ગગનીયા દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો વિકસાવવાનો તથા કાયદો-વ્યવસ્થા જાળવવામાં સરપંચોને મદદરૂપ બનાવવાનો હતો. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયાએ ૧૦૦ કલાક કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોરો અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની જાણકારી આપી અને ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક પગલાં લેવાની ખાતરી આપી. કાર્યક્રમમાં ગ્રામપંચાયતોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે જાગૃતિ, ડ્રગ્સ અને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા યુવાનોમાં જાગૃતિ લાવવા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. વધુમાં, નાગરિકોને થતી મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે પોલીસ સાથે નિર્ભય સંપર્ક કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પરીસંવાદમાં ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓમાં સમાવેશ થાય છે:
જૂનાગઢ જિલ્લામાં પોલીસની સારી કામગીરીનું પ્રેઝન્ટેશન.
ગામડાઓમાં બનતા બનાવોની ત્વરિત જાણકારી પોલીસને આપવી.
સાયબર જાગૃતિ અને ઓનલાઈન છેતરપિંડીથી સાવચેતી.
શી ટીમની કામગીરી અને મહિલા સુરક્ષા પગલાં.
ટ્રાફિક જાગૃતિ, માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ.
ગ્રામ્ય કક્ષાએ સી.સી.ટી.વી. સ્થાપના અને ગ્રામ્ય સુરક્ષા.
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ, મેન્ટર કાર્યક્રમ અને યુવા માર્ગદર્શન.
જાગૃતિ કાર્યક્રમો, ડ્રગ્સ નિવારણ અને આપદા વ્યવસ્થા.
સરપંચોના પ્રશ્નોત્તર અને ઔપચારિક ચર્ચા. આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એફ.બી. ગગનીયા, પો.સબ.ઈન્સ. એસ.કે. ડામોર, એસ.ઓ.જી. સાયબર સેલના પો.સબ.ઈન્સ. એમ.જે. કોડીયાતર અને એસ.એ. સોલંકી, કોમ્પ્યુટર શાખાના પો.સબ.ઈન્સ. કે.પી. વાઢેર તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી પોલીસ અને ગ્રામજન વચ્ચે વિશ્વાસ અને સહકારનું વાતાવરણ વિકસશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.