NADIAD

LPG સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે. !!!

દુનિયાભરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગેસ અને ઓઇલની સપ્લાય પર દેખાઈ રહી છે. ભારત તેની LPG ગેસની જરૂરિયાત માટે મોટાપાયે મિડલ ઈસ્ટ પર નિર્ભર છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજોની અવરજવર ખોરવાતા અને ઈઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે એનર્જી સપ્લાય ચેઇન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અહેવાલો મુજબ, આ સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે.

અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, ગ્લોબલ LPG સપ્લાય ચેઇન જે રીતે ખોરવાઈ છે, તેને સંપૂર્ણપણે પાટા પર આવતાં ઓછામાં ઓછા 3થી 4 વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે, ઉત્પાદન માત્ર કામચલાઉ ધોરણે અટક્યું છે કે કાયમી નુકસાન થયું છે, પરંતુ સપ્લાયર્સ તરફથી મળતી માહિતી ભારત માટે ચિંતાજનક છે. આ સ્થિતિને કારણે ભારત માટે આયાતનું જોખમ અને ખર્ચ બંને વધી શકે છે.

વિવિધ રિપોર્ટ્સ મુજબ, સપ્લાયનો રસ્તો બદલવા અને અન્ય દેશો પાસેથી ગેસ લેવાના પ્રયાસો છતાં LPGના સામાન્ય સપ્લાયમાં 40થી 50 ટકા જેટલી અછત રહેવાની શક્યતા છે. એટલે કે તમામ પ્રયાસો પછી પણ સપ્લાય પહેલા જેટલો સરળ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ પહેલા ભારતનો 90% LPG સપ્લાય સ્ટ્રેટ ઑફ હોર્મુઝના રસ્તે થતો હતો. જે હવે ઘટીને માત્ર 55% રહ્યો છે.

ભારત તેની કુલ વપરાશના 60% LPG વિદેશોથી મંગાવે છે. દેશમાં દર વર્ષે અંદાજે 33 મિલિયન ટન LPGની માગ છે. ભારત પાસે માત્ર 15 દિવસનો વપરાશ ચાલે તેટલો જ સ્ટોરેજ છે. ભારતનો 92% સપ્લાય UAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. જેમાંથી માત્ર UAEનો હિસ્સો જ 41% છે.

સરકાર હાલમાં COVID સમય જેવી જ વ્યૂહરચના અપનાવી રહી છે, અન્ય દેશો પાસેથી આયાત વધારવા ઉપરાંત સપ્લાયના રૂટ બદલવા અને ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. માંગને નિયંત્રિત કરવાના ઉપાયો પણ અજમાવાઈ રહ્યા છે.

મોંઘા LPGની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો (MSME) પર પડશે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધશે તો સરકાર પર ઘરેલું સિલિન્ડર માટે સબસિડીનું ભારણ પણ વધી શકે છે. જોકે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં એ જ છે કે સામાન્ય લોકોના ઘરો સુધી LPG પહોંચવામાં કોઈ મોટી સમસ્યા ન સર્જાય.

Back to top button
error: Content is protected !!