અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST)ના અનામતમાં ક્રિમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST)ના અનામતમાં ક્રિમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. સરકારે એ તમામ જનહિત અરજીઓનો સખત વિરોધ કર્યો છે, જેમાં SC-ST અનામતમાં ક્રિમી લેયરનો નિયમ લાગુ કરવાની અને સરકારી નોકરીઓમાં વધુ ન્યાયસંગત નીતિ બનાવવાની માગણી કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે આ અરજીઓમાં કોઈ પણ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
ગત વર્ષે 11 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે રમાશંકર પ્રજાપતિ અને અન્યની જનહિત અરજીઓ પર કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નોટિસ જારી કરી હતી. આ અરજીઓમાં એવી માગ કરવામાં આવી હતી કે જો કોઈ SC-ST પરિવારનો સભ્ય પહેલેથી જ બંધારણીય કે વરિષ્ઠ સરકારી પદ મેળવી ચૂક્યો હોય, તો તેના સંતાનોને અનામતનો લાભ ન મળવો જોઈએ. આનાથી અનામતનો સાચો ફાયદો આર્થિક રીતે નબળા અને ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી વધુ સમાન રૂપે પહોંચી શકશે. અરજીકર્તાઓએ આર્થિક રીતે પછાત લોકો માટે સબ-કેટેગરી બનાવવાની પણ માગ કરી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે SC અને STની યાદીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ફક્ત સંસદ જ કરી શકે છે. બંધારણના અનુચ્છેદ 341 અને 342 હેઠળ કોઈપણ જાતિ કે જનજાતિને સૂચિમાં સામેલ કરવાનો કે રદ કરવાનો વિશેષાધિકાર માત્ર સંસદ પાસે છે. સરકારે ઇન્દિરા સાહની કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે SC, ST અને OBCની ઓળખ ઐતિહાસિક, સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના આધારે થાય છે, માત્ર આર્થિક સ્થિતિના આધારે નહીં.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે SC, ST અને SEBC માટે ચલાવવામાં આવતી મોટાભાગની કલ્યાણકારી યોજનાઓમાં પહેલેથી જ આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી સાચા જરૂરિયાતમંદોને તેનો લાભ મળી શકે. સરકારના મતે અરજીકર્તાઓએ એ સ્પષ્ટ નથી કર્યું કે કઈ યોજનાઓમાં બદલાવની જરૂર છે અને તેનાથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને કેવી રીતે ફાયદો થશે. આ સમગ્ર મામલે ન્યાયપાલિકામાં આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.



