દિલ્હીમાં ફરી ધરણાં થાય તે પહેલા જ સરકાર ઝૂકી, નોંધાયેલા કેસો રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

શું ઈન્ડિયા ગેટ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શન માર્ચ પહેલા જ કેન્દ્ર સરકાર કોકરોચ જનતા પાર્ટી(CJP)ની બીજી સૌથી મોટી માંગ પૂરી કરવા જઈ રહી છે? નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની તાજેતરની અરજી બાદ સીજેપીના નેતાઓ સુખદ આશ્ચર્યમાં છે અને તેમણે કોઈ પણ શબ્દ બોલ્યા વગર ખાસ અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. સીજેપીના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ તેને ભીમરાવ આંબેડકરની જીત તરીકે દર્શાવતા બાબા સાહેબની તસવીર સાથે પોતાનો ચહેરો દર્શાવ્યો હતો. જ્યારે સીજેપીના સહ-સંયોજક સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ પણ તસવીરો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અહેવાલ છે કે કેન્દ્ર સરકારે નીટ વિરોધ પ્રદર્શન અને 20 જુલાઈના રોજ યોજાયેલા સંસદ ચલો માર્ચ દરમિયાન નોંધાયેલી એફઆઇઆર રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે. સરકાર ઇચ્છે છે કે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને આ કેસો રદ કરવામાં આવે. સોલિસિટર જનરલ ઑફ ઇન્ડિયાએ આ કેસની તાત્કાલિક સુનાવણી માટે લિસ્ટિંગની માંગ કરી હતી અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતે(CJI Surya Kant) મંગળવારે તેને લિસ્ટ કરવા જણાવ્યું છે. સરકારે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે સીજેપી 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માર્ચની તૈયારી કરી રહી છે. ઇન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે અને અભિજીત દીપકે(Abhijeet Dipke)એ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ત્યાં ધરણા થઈ શકે છે.



