NATIONAL

મધ્યપ્રદેશના ખેડૂતો સાત દિવસનું રાશન લઇને પાટનગરનો ઘેરાવ કરવા પહોંચ્યા

ભોપાલ : વિદ્યાર્થીઓ, યુવાનો બાદ હવે ખેડૂતો આંદોલન પર ઉતરી આવ્યા છે. મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવે સંપૂર્ણ પાકની ખરીદી કરવાની સરકાર સમક્ષ માગણી સાથે હજારો ખેડૂતો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પહોંચી ગયા છે. ખેડૂતોને રોકવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, હાલ તેઓ મુખ્યમંત્રી હાઉસ પર પહોંચવા તરફ આગળ વધી રહ્યા છે. અચાનક જ વિશાળ સંખ્યામાં ખેડૂતો ધસી આવતા પોલીસ પણ લાચાર જોવા મળી હતી.

મધ્ય પ્રદેશમાં ટેકાના ભાવે મગની ૧૦૦ ટકા ખરીદીની માગણી સાથે ૨૦ જેટલા ખેડૂત સંગઠનોએ એક થઇને સરકારને ભીસમાં લીધી છે. હજારોની સંખ્યામાં ખેડૂતો રાજધાની ભોપાલમાં પ્રવેશી ગયા છે. જોકે ખેડૂતોને રોકવા માટે રસ્તામાં ઠેર ઠેર પોલીસ દ્વારા બેરિકેડ્સ અને બસો સહિતના વાહનો ખડકી દેવાયા હતા. આ બેરિકેડ્સને જેને તોડીને ખેડૂતો આગળ વધી ગયા છે. કેટલાક ખેડૂતો બસો સહિતના વાહનો પર ચડીને પણ ભોપાલ પહોંચ્યા હતા અને સીએમ હાઉસ પર ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મધ્ય પ્રદેશમાં મગનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, સરકારે મગની ખરીદીની એક લિમિટ મુકી છે, સામાન્ય રીતે એક એકરમાં ચારથી પાંચ ક્વિંટલ મગનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ સરકાર દ્વારા માત્ર ૧.૨૦ ક્વિંટલ મગની જ ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે. બાકી બચેલા ત્રણથી ચાર ક્વિંટલ મગ બહુ જ નીચે ભાવે એટલે કે આશરે ચારથી પાંચ હજારમાં વેચવા ખેડૂતો મજબુર છે. હવે ખેડૂતોની માગણી છે કે સરકાર જેટલુ ઉત્પાદન થાય તે તમામ મગની ખરીદી ટેકાના ભાવે કરે અને આ લિમિટ હટાવવામાં આવે. સાથે જ ફર્ટિલાઇઝર પણ જરૂરિયાત મુજબ સમયસર આપવામાં આવે, ઇ-ટોકન સિસ્ટમની સમસ્યાઓનું નિકારણ લાવવામાં આવે. ખેડૂતોના રોષને ધ્યાનમાં રાખીને મધ્ય પ્રદેશ સરકાર વાતચીત માટે તૈયાર થઇ ગઇ છે. ખેડૂતો સાત દિવસનું રાશન લઇને લાંબા સમયના આંદોલન માટે ઘરેથી નીકળી પડયા છે.

Back to top button
error: Content is protected !!