SEBIના પૂર્વ પ્રમુખ માધવી બુચ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવાનો કોર્ટનો આદેશ
મુંબઇની વિશેષ ACB કોર્ટે કથિત શેર બજારમાં છેતરપિંડી અને નિયામક ઉલ્લંઘનના એક કેસમાં પૂર્વ સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથે જ કોર્ટે આ ઘટના સાથે જોડાયેલ સ્ટેટસ રિપોર્ટ 30 દિવસની અંદર સબમિટ કરવાનો આદેશ પણ આપ્યો છે.
ખાસ ACB કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજોની સામગ્રીની તપાસ અને સમીક્ષા કર્યા પછી, આ કોર્ટને લાગે છે કે – ‘આરોપો એક કોગ્નિઝેબલ ગુનો જાહેર કરે છે, જેની તપાસની જરૂર છે.’ નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમ દ્રષ્ટિએ પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ તપાસની જરૂર છે. કાયદા અમલીકરણ અને સેબી દ્વારા નિષ્ક્રિયતા માટે કલમ 156(3) CrPC હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે.’
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે, આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ 2017 થી 2023 ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2018-19માં કુલ 19.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.
માધવી પુરી બુચે માર્ચ 2022માં સેબીના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો. તે આ પદ પર નિયુક્ત થનારા પ્રથમ મહિલા હતા, તેમનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો છે. માધવી પુરી બુચના કાર્યકાળમાં અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપ સાથે જોડાયેલો વિવાદ સામે આવ્યા બાદ તેમના પર ગંભીર આરોપ લાગ્યા હતા. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ તેમના રાજીનામાની માંગ કરી હતી અને સેબીના કામમાં પક્ષપાતના આરોપ લગાવ્યા હતા.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તુહિન કાંતા પાંડેને SEBIના પ્રમુખ બનાવડાવ્યા છે. તે માધવી પુરી બુચની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો છે. તુહિન કાંતા પાંડે ઓડિશા કેડરના 1987 બેંચના IAS અધિકારી છે.