સોના-ચાંદી કિંમતોમાં ભારે ઘટાડો, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500 રૂપિયા સસ્તું થયું !!!

દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ના જણાવ્યા અનુસાર, આજે સોના અને ચાંદી બંનેની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે.
સોમવારના ભાવની સરખામણીએ આજે એક કિલો ચાંદીના ભાવમાં ₹10,566નો મોટો કડાકો બોલાયો છે, જેને પગલે ચાંદી ₹2.37 લાખથી ઘટીને ₹2.27 લાખ પર આવી ગઈ છે. તેમજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પણ ₹2,522 ઘટીને ₹1.45 લાખ પર પહોંચી ગયો છે, જે ગઈકાલે ₹1.47 લાખ પર હતો. આ ચાલુ મહિના દરમિયાન સોનામાં ₹10,748 અને ચાંદીમાં ₹36,015નો ઘટાડો જોવા મળ્યો છે.
ચાલુ વર્ષે સોના-ચાંદીના બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જે 29 જાન્યુઆરીએ વધીને ₹1.76 લાખની રૅકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં સોનું ₹31,333 સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ચાંદી પણ 29 જાન્યુઆરીએ ₹3.86 લાખના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી, જે છેલ્લા 145 દિવસમાં ₹1.59 લાખ સસ્તી થઈને હાલ ₹2.27 લાખ પર ટ્રેડ કરી રહી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશી ખરીદી ઘટાડવા અને દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પરનું દબાણ ઓછું કરવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે.
સરકાર દ્વારા સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડેવલપમેન્ટ સેસ(AIDC) લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે આ ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરી હતી, જે હવે ફરી વધારી દેવાઈ છે.





