લિવ-ઇન પાર્ટનરને પણ મળશે પત્ની જેવો હક્ક, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે સોમવારે (૦૩ ઓગસ્ટ) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498Aનો વ્યાપ વધારતા જણાવ્યું છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી પાર્ટનરને પણ પત્ની જેવો અધિકાર મળી શકે છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી કોઈપણ વ્યક્તિ પર પોતાની મહિલા પાર્ટનર સાથે ક્રૂરતા કરવા બદલ કેસ ચલાવી શકાય છે, જો તે સંબંધ લગ્ન જેવો હોય અને બંને પક્ષોનો એકબીજા સાથે લગ્ન કરવાનો ઇરાદો હોય. આ ચુકાદો તે સવાલની સુનાવણી દરમિયાન આવ્યો કે શું લિવ-ઇન રિલેશનમાં રહેતી કોઈપણ વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 498A હેઠળ કેસ ચલાવી શકાય છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે IPCની કલમ 498Aનો સંબંધ કોઈ મહિલાના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા સાથે ક્રૂરતા આચરવા સાથે છે. બેન્ચે કહ્યું-‘કલમ 498A એવા ‘લિવ-ઇન સંબંધો’ પર લાગુ માનવામાં આવી છે, જે ‘લગ્ન જેવા સંબંધ’ની શ્રેણીમાં આવે છે અને જેમાં લગ્ન કરવાનો ઇરાદો તે સંબંધનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. પૂરી સ્પષ્ટતા સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે કલમ 498A હેઠળ સુરક્ષિત સહજીવન સંબંધો તે છે, જે બે પુખ્ત વ્યક્તિઓની પરસ્પર સંમતિથી બન્યા હોય. કાયદાનો આ સિદ્ધાંત માત્ર IPCની કલમ 498A સુધી જ મર્યાદિત રહેશે અને આ વિસ્તૃત વ્યાખ્યાની અસર અન્ય કોઈ જોગવાઈ પર પડશે નહીં.’
બેન્ચે જણાવ્યું કે ધરપકડથી બચવાના નિયમો અને અન્ય બાબતોનું કડકપણે પાલન કરવું જોઈએ. સાથે જ, ‘લગ્ન જેવા સંબંધ’ માં રહેતી કોઈપણ વ્યક્તિ (ભલે તે સહજીવન સાથી હોય કે તેનો સંબંધી) કે જેના પર કોઈ મહિલા સાથે ક્રૂરતા કરવાનો આરોપ હોય, તેને પ્રારંભિક તપાસ વગર ધરપકડ ન કરવી જોઈએ. ન્યાયાલયે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ એ જાણીને કે અંદાજ લગાવતા સંબંધમાં જતી નથી કે તેની સાથે ક્રૂરતા થઈ શકે છે.
બેન્ચે કહ્યું, ‘જ્યારે કોઈ યુગલ પોતાની સફર શરૂ કરે છે, ત્યારે સામાન્ય રીતે એવું જ માનવામાં આવે છે કે તેમની નિયત સારી હોય છે અને તેઓ દરેક પ્રકારની ખુશીઓ મેળવવા માંગે છે. જો કે, સમયની સાથે કેટલાક સંબંધો મુશ્કેલ રસ્તા પર પણ જઈ શકે છે. કાયદામાં તેના માટે પણ જોગવાઈ હોવી જોઈએ. પરિણીત અને ‘લગ્ન જેવા સહજીવન સંબંધ’ વચ્ચેનો આ તફાવત-જ્યાં સુધી કલમ 498A હેઠળ મળતી સુરક્ષાનો સવાલ છે- ઘરેલુ હિંસા અટકાવવાના હેતુ સાથે તાર્કિક રીતે જોડાયેલો નથી અને તેથી તે ભારતના બંધારણના અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન કરે છે.’



