NATIONAL

ગુલમર્ગમાં સેનાની ગાડી પર મોટો આતંકી હુમલો, 5થી વધુ જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર આતંકીઓએ નાપાક ઈરાદા દેખાડીને એક મોટો હુમલો કર્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી સેના પર હુમલો કર્યો હતો. ગુલમર્ગમાં સેનાની ગાડી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં 5થી વધુ જવાન ઘાયલ થયાં હતા. આતંકવાદી હુમલો અંકુશ રેખા (LOC) નજીક ગુલમર્ગના બોટાપથરના નાગીન વિસ્તારમાં 18 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના વાહન પર થયો હતો. સેનાનું વાહન જ્યારે જઈ રહ્યું હતું ત્યારે છુપાયેલા આતંકીઓએ તેની પર ગોળીબાર શરુ કરી દીધો હતો જેમાં જવાનો ઘવાયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતા.

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એક મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યાના કલાકો બાદ આ હુમલો થયો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રીતમ સિંહ તરીકે થઈ હતી.

આ હુમલો એવે સમયે થયો છે કે જ્યારે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલા દિલ્હીની મુલાકાતે છે અને તેમણે પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધી રહ્યાં છે. આતંકીઓ ગમે ત્યારે સેનાના વાહનને કે જવાનોને નિશાન બનાવી રહ્યાં છે.

ગુલમર્ગમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલાના કલાકો પહેલા પુલવામામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક બિન-સ્થાનિક મજૂર ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી ગોળીબારમાં ઘાયલ થયેલા મજૂરની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ કુમાર તરીકે થઈ છે.  તેને આજે સવારે બાટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગોળી તેના હાથમાં વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!