સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસરે CJPએ ‘સ્કૂલ ઠીક કરો’ નામે નવું અભિયાન લોન્ચ કર્યું

દિલ્હીના જંતર-મંતર પર નીટ (NEET) પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે કોકોરચ જનતા પાર્ટી (CJP) એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. CJPના સ્થાપક અભિજિત દીપકે મહારાષ્ટ્રના પોતાના મૂળ ગામથી આ અભિયાનની શરૂઆત કરશે. આ ઝુંબેશને ‘સ્કૂલ ઠીક કરો’ મિશન નામ આપવામાં આવ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રની સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) સુધારવાનો અને વહીવટી જવાબદારી નક્કી કરવાનો છે.
સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસરે અભિજિત દીપકે પોતાના ગામની સરકારી શાળાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેણે જણાવ્યું હતું કે, ‘મને મારા ગામમાં આવીને ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો તેનો ખૂબ ગર્વ છે. પરંતુ અહીંની સરકારી શાળાની દયનીય સ્થિતિ જોઈને અત્યંત દુઃખ પણ થાય છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે આપણા બાળકોના શિક્ષણ માટે સારી શાળાઓ બનાવી શક્યા નથી.’
અભિજિત દીપકે વધુમાં માહિતી આપતા કહ્યું કે, ‘મેં કેટલીક વિશેષ ટીમો બનાવી છે જે અલગ-અલગ ગામડાઓમાં જશે. આ ટીમો સ્થાનિક લોકો અને સરપંચોને મળીને શાળાઓની સ્થિતિ સુધારવા માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી કરશે. પાર્ટી ઈચ્છે છે કે આ કાર્યમાં સમાજના દરેક વર્ગ અને લોકોની ભાગીદારી રહે જેથી શાળાઓની દશા ઝડપથી સુધારી શકાય.’
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આયોજિત તિરંગા યાત્રા રેલી અંગે સવાલ પૂછાતા દીપકે કહ્યું કે, ‘આવી રેલીઓ સ્વતંત્રતા દિવસ પર ચોક્કસ થવી જોઈએ, પરંતુ તેની સાથે શિક્ષણ જેવા મહત્ત્વના વિષય પર પણ ધ્યાન આપવું જરૂરી છે. મારી પાસે એવા વીડિયો આવી રહ્યા છે જેમાં વિધાર્થીનીઓ ફરિયાદ કરી રહી છે કે તેમને શાળાએ પહોંચવા માટે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડે છે અને ત્યાં જવા માટે યોગ્ય રસ્તા પણ નથી.’
આ પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં દીપકે લખ્યું હતું કે, ‘આઝાદીના દાયકાઓ પછી પણ ગામડાના બાળકોએ શાળાઓમાં પાયાની સુવિધાઓ માટે વિનંતીઓ કરવી પડે તે યોગ્ય નથી. એક દેશ તરીકે આપણે ગ્રામીણ બાળકોને નિરાશ કર્યા છે. તેથી જ આ સ્વતંત્રતા દિવસથી CJP ગામડાઓની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનની શરૂઆત કરી રહી છે.’



