NATIONAL

ગર્ભમાં બાળક રાખવું કે નહીં એ નિર્ણય ફક્ત પત્ની કરી શકે, પતિની સહમતિ જરૂરી નથી : હાઇકોર્ટ

મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર ખંડપીઠે મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કાયદા દ્વારા નિર્ધારિત સમયગાળાની અંદર જો ગર્ભાવસ્થા હોય, તો ગર્ભમાં બાળક રાખવું કે નહીં તે અંગેનો નિર્ણય સંપૂર્ણપણે મહિલાનો રહેશે. આ નિર્ણય માટે પતિની સહમતિ જરૂરી નથી. આ સાથે જ હાઇકોર્ટે 13 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) ઍક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે

આ આદેશ 29 જૂન 2026ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ મામલો ઈન્દોર ડિવિઝનના એક હાઇપ્રોફાઇલ દંપતી સાથે જોડાયેલો છે, જેના લગ્ન લગભગ બે વર્ષ પહેલાં થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે સતત વિવાદ વધવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલા ગર્ભવતી થઈ અને ગર્ભાવસ્થા આશરે 13 અઠવાડિયાની હતી. પરંતુ પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવવાને કારણે બંને અલગ રહેવા લાગ્યા હતા.

મહિલાનું કહેવું હતું કે, વૈવાહિક સંબંધો તૂટી જવાની સ્થિતિમાં બાળકનો જન્મ તેના માટે માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે ખૂબ મુશ્કેલ બની જશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે ગર્ભમાં બાળક ન રાખવાનો નિર્ણય લીધો અને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ગર્ભપાતની મંજૂરી માંગી હતી.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પતિને નોટિસ જારી કરી હતી, પરંતુ તે કોઈ પણ તારીખે કોર્ટમાં હાજર નહોતો થયો. બીજી તરફ રાજ્ય સરકારે પણ આ અરજીનો કોઈ વિરોધ નહોતો કર્યો.

હાઇકોર્ટે પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટના ચર્ચિત ચુકાદા ‘એક્સ vs પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ ઍન્ડ ફેમિલી વેલ્ફેર’નો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ-21 હેઠળ દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધી નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. આ તેની વ્યક્તિગત ગરિમા અને મૂળભૂત અધિકારનો એક ભાગ છે.

હાઇકોર્ટે પોતાના વિસ્તૃત આદેશમાં સ્પષ્ટ કર્યું કે, અનિચ્છનીય ગર્ભાવસ્થાની સૌથી વધુ માનસિક, શારીરિક અને ભાવનાત્મક અસર મહિલા પર પડે છે. તેથી આ ગર્ભમાં બાળક રાખવું કે નહીં તે નિર્ણય સંપૂર્ણપણે મહિલાનો વ્યક્તિગત અને બંધારણીય અધિકાર છે. કોઈ પણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતૃત્વ સ્વીકારવા કે ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર ન કરી શકાય નહીં.

કોર્ટને તપાસમાં જાણવા મળ્યું કે, અરજીકર્તાની ગર્ભાવસ્થા 13 અઠવાડિયા અને 1 દિવસની હતી, જે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ, 1971માં નિર્ધારિત કાનૂની મર્યાદાની અંદર આવે છે. કાયદો આવા કિસ્સાઓમાં અધિકૃત તબીબોને જરૂરી તપાસ બાદ ગર્ભપાતની મંજૂરી આપે છે, તેથી આ કેસ કાનૂની રીતે મંજૂરી આપવા યોગ્ય ગણાયો હતો.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો પતિ-પત્નીના સંબંધો ગંભીર રીતે બગડી ગયા હોય, બંને અલગ રહેતા હોય કે છૂટાછેડા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હોય, તો આ પરિસ્થિતિઓ મહિલાના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર ઊંડી અસર કરે છે. આવા કિસ્સામાં જો મહિલા ગર્ભમાં બાળક ન રાખવા માગતી હોય, તો ગર્ભપાતની મંજૂરી આપવા માટે આ એક કાયદેસર અને ન્યાયસંગત આધાર છે.

કોર્ટે એ પણ કહ્યું કે, મહિાલાની ગરિમા, માનસિક સ્વાથ્ય, શારીરિક સ્વાયત્તતા અને વ્યક્તિગત સ્વતંત્રતા ભારતીય બંધારણની કલમ 21 હેઠળ સંરક્ષિત મૌલિક અધિાકાર છે. તેથી મહિલાના શરીર અને પ્રજનન સબંધિત નિર્ણયોમાં તેની ઇચ્છાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિની સહમતિને અનિવાર્ય ન બનાવી શકાય.

હાઇકોર્ટે સંબંધિત તબીબોને નિર્દેશ આપ્યો છે કે, ગર્ભપાતની આખી પ્રક્રિયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ન્યાયાલય દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરીને જ કરવામાં આવે. પ્રક્રિયા દરમિયાન મહિલાની ગોપનીયતા, ગરિમા અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે તેમજ જરૂરી તબીબી સાવચેતી અને સંવેદનશીલતા દાખવવામાં આવે.

Back to top button
error: Content is protected !!