પેપર લીક મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ જેલમાં બંધ તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

કોકરોચ જનતા પાર્ટી દ્વારા પેપર લીક મામલે શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને રાહત આપનારો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અન્ય રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને લઈને મોટો ચુકાદો આપ્યો છે. અદાલતે તમામ રાજ્યોમાં પ્રદર્શનકારીઓ સામે કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો છે. આ સાથે જ જેલમાં બંધ તમામ સગીરોને તુરંત જ મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેમનો અગાઉથી કોઈ ગુનાહિત ભૂતકાળ છે, તેમને આ સ્ટેનો લાભ મળશે નહીં.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓના આંદોલનમાં ગુનાહિત તત્ત્વો ઘૂસી ગયા હતા, જેમના પર અગાઉથી NDPS કે દુષ્કર્મ જેવા ગંભીર આરોપો હતા. આવા લોકોએ જ પોલીસ જવાનો પર હુમલો કરીને વાતાવરણ બગાડ્યું હતું.
અરજદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલોએ કોર્ટ સમક્ષ દિલ્હી અને બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલી હિંસક કામગીરીના પુરાવા મૂક્યા હતા. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગન, રબર બુલેટ, ઈલેક્ટ્રિક બેટન અને નખ જડેલી લાઠીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે એક સગીર બાળકે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે.
બિહારમાં એક પોલીસકર્મી આંદોલનકારીઓ સામે AK-47 રાઇફલ બતાવતો પણ કેમેરામાં કેદ થયો હતો. આ સિવાય મહારાષ્ટ્રમાં એક પોલીસ અધિકારી વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો જોવા મળ્યો હતો.
વકીલ પ્રશાંત ભૂષણે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે જંતર-મંતર પ્રદર્શનના એક વોલન્ટિયર જુનૈદ મલિકને આંખે પાટા બાંધીને મસુરી સુધી લઈ જવામાં આવ્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે તમામ રાજ્યોની પોલીસને આદેશ આપ્યો છે કે પ્રદર્શન સંબંધિત તમામ CCTV ફૂટેજ, ડ્રોન રિકોર્ડિંગ, વાયરલેસ મેસેજ અને તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવામાં આવે.
પોલીસ દ્વારા ફેસિયલ-રેકગ્નિશન ટૅક્નોલૉજીથી લેવાયેલો પ્રદર્શનકારીઓનો બાયોમેટ્રિક કે વ્યક્તિગત ડેટા જાહેર જનતા સમક્ષ મૂકવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.




