ધોધમાર વરસાદથી ઉપલી માથાસર–પીપલોદ માર્ગ ધોવાયો, વાહનવ્યવહાર તાત્કાલિક બંધ,

ધોધમાર વરસાદથી ઉપલી માથાસર–પીપલોદ માર્ગ ધોવાયો, વાહનવ્યવહાર તાત્કાલિક બંધ,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
ડેડીયાપાડા, તા. ૧ ઓગસ્ટ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ડેડીયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળાઓ બે કાંઠે વહેતા થતાં અનેક આંતરિક માર્ગોને નુકસાન પહોંચ્યું છે.
ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટામાં આવેલા ઉપલી માથાસરથી પીપલોદ જતાં માર્ગ પર આવેલા નાળામાં પાણીનો પ્રવાહ અત્યંત વધી જતાં માર્ગનો એક ભાગ ધોવાઈ ગયો છે. માર્ગને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી હાલ પૂરતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા તથા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ ચાલુ રહેતાં નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓ નજીક જવાનું ટાળવા તેમજ સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં
આવી છે.



