SAGBARA

દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૮થી ૧૨મી માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ,

  1. દેવમોગરા ખાતે મહા શિવરાત્રીના પર્વે યાહા મોગી માતાના મંદિરે આગામી તા.૮થી ૧૨મી માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ,

 

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ અને આદિવાસી સમુદાયના લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે,

 

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા.૮મીથી ૧૨મી માર્ચ-૨૦૨૪ દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કુળદેવી યાહા મોગી પાંડોરી માતાજીના મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. પરંપરાગત ભાતીગળ મેળાની થનારી આ ભવ્ય ઉજવણીના સુચારૂ આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવી મેળામાં આવતા યાત્રિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે જોવા જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.

 

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, મિતેશ પટેલ(સામાજિક વનીકરણ), નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાયબ પોલીસ અધિક્ષક સરવૈયા, વાણી દૂધાત, દેડીયાપાડા પ્રાંત અધિકારી ડી.આર. સંગાડા, દેડીયાપાડા-સાગબારાના મામતદાર શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ તેમજ સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધીરસીંગભાઈ વસાવા, ઉપપ્રમુખ નાનસિંગભાઈ વસાવા, મંત્રી કાંતીભાઇ કોઠારી તેમજ ટ્રષ્ટી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લાના કલેકટર શ્વેતા તેવતિયાએ મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પીવાના સ્વચ્છ પાણી, સતત વિજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા, વધારાની એસ.ટી. બસ રૂટની વિશેષ સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે સ્નાન-સેનીટેશનની વ્યવસ્થા, CCTV કેમેરાની ગોઠવણી, ફાયર બ્રિગેડ, મનોરંજનના સાધનોની તાંત્રિક મંજૂરી અગાઉથી મેળવી લેવા જેવી બાબતો સુનિશ્વિત કરી લેવા પર ખાસ ભાર મુક્યો હતો.

 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવીને આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે, ત્યારે દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારા આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા જણાવાયું હતું. સાથે સાથે વીવીઆઈપી મહાનુભાવો આવે ત્યારે તેમને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા પુરી પાડવા જણાવ્યું હતું.

 

દેવમોગરા ખાતે યોજાનારા પાંડોરી માતાજીના મેળા દરમિયાન મંદિર પરિસરમાં CCTV ફુટેજ ઉપરાંત મંદિર પરિસરની બહારના ભાગે તેમજ મંદિરે જવાના મુખ્ય માર્ગમાં નિયત અંતરે લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવી. તદ્ઉપરાંત DGVCL દ્વારા વીજપુરવઠો સતત જળવાઈ રહે, આરોગ્ય વિભાગ દ્વારા મંદિર પરિસર ખાતે, કણબીપીઠા ખાતે અને દેવમોગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો સાથેનો પેરામેડીકલ સ્ટાફ આવશ્યક દવાઓની ઉપલબ્ધિ સાથે તૈનાત કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીમાં ક્લોરીનેશનની પણ વ્યવસ્થા કરાઇ છે. એસટી તંત્ર દ્વારા સેલંબા-ડેડીયાપાડા-નેત્રંગ અને રાજપીપલા ખાતેથી વધારાની બસ સેવાઓની ઉપલબ્ધિ ઉપરાંત જિલ્લા વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા મેળા દરમિયાન કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે અને મેળામાં જરૂરી સૂચનાઓ લાઉડ સ્પીકર દ્વારા સતત લોકોને આપવામાં આવશે.

 

સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના ૪૦૦ ઉપરાંત સ્વયંસેવકો પણ સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડી વ્યવસ્થા અંગે દર્શનાર્થીઓને સમજ આપશે. વિવિધ સ્થળોએ જરૂરી સૂચના અંગેના શાઈન બોર્ડ પણ લગાડવા અને જંગલના ઉંડાણના ભાગમાં શ્રદ્ધાળુઓ જાય નહીં તેની તકેદારી રાખવા વન વિભાગ અને પોલીસ ચાંપતી નજર રાખશે અને ડિઝાસ્ટર અંગેનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!