સોશિયલ મીડિયામાં કથિત વાંધાજનક વીડિયો વાયરલ કરવાના મામલે વાવમાં એટ્રોસિટી સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
વાવ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયામાં કથિત રીતે વાંધાજનક વીડિયો બનાવી તેને વાયરલ કરવાના મામલે એક વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાને લઈને પંથકમાં ચર્ચાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધરાધરા ગામના રહેવાસી અને વ્યવસાયે ખેડૂત એવા રાણાભાઈ ભાણાભાઈએ વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે સોલંકીવાસ, વાવ ખાતે રહેતા મહેશ ભગત ઉર્ફે મહેશભાઈ શંકરલાલ ત્રિવેદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ આરોપીએ સોશિયલ મીડિયા માટે તૈયાર કરેલા વીડિયોમાં અનુસૂચિત જાતિ તથા મુસ્લિમ સમુદાય અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં વીડિયોમાં કરવામાં આવેલા કથિત નિવેદનોના કારણે સમાજમાં દ્વેષભાવ, તિરસ્કાર અને દુશ્મનાવટનું વાતાવરણ ઊભું થાય તેમજ જાહેર શાંતિ જોખમાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 196(1)(એ), 351(3) અને 353(2) ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ), 3(1)(યુ), 3(2)(5-અ) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ગુનાની નોંધ થયા બાદ પોલીસે વાયરલ થયેલા વીડિયોની તપાસ, ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ તથા સમગ્ર ઘટનાક્રમ અંગે જરૂરી માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પુરાવાના આધારે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ધાર્મિક અથવા જાતિ આધારિત વાંધાજનક સામગ્રી પ્રસારિત થવાના બનાવો સામે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે તથ્યો અને પુરાવાઓ સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





