થરાદ મામલતદાર કચેરીમાં એ.સી.બી.નો સપાટો! નોંધોની નકલ માટે ₹200ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળો રંગેહાથ ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ મામલતદાર કચેરીમાં શુક્રવારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.)એ સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી નોંધોની નકલ આપવા બદલ ₹200ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઘટનાને પગલે મામલતદાર કચેરીમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
એ.સી.બી.ને મળેલી આધારભૂત માહિતી મુજબ મામલતદાર કચેરીમાં નોંધો મંજૂર કરવા તેમજ નોંધોની નકલો આપવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ₹100થી લઈને ₹2000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી. આ માહિતીની ખરાઈ કરવા માટે એ.સી.બી. દ્વારા એક જાગૃત નાગરિકને ડીકોયર બનાવી છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ડીકોય દરમિયાન કરાર આધારિત પટાવાળા કિરીટભાઈ વાઘજીભાઈ સોનીએ નોંધોની નકલ બાબતે ડીકોયર પાસેથી ₹200ની લાંચની માંગણી કરી હતી. ડીકોયરે પૂર્વ આયોજન મુજબ લાંચની રકમ આપતા જ એ.સી.બી.ની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ₹200ની લાંચની રકમ પણ કબજે લેવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ. ચૌધરી, બનાસકાંઠા એ.સી.બી., પાલનપુર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ડીકોય ઓપરેશનનું સુપરવિઝન મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ (એ.સી.બી. બોર્ડર ભુજ) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા (એ.સી.બી. રાજકોટ એકમ)ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી બાદ મામલતદાર કચેરીમાં ચાલતી લાંચખોરી અંગેની ચર્ચાઓ ફરી એકવાર તેજ બની છે. એ.સી.બી. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.





