“કાણોઠીમાં મહિલાને ઘરમાંથી ઉઠાવી 3 કલાક માર માર્યાનો આક્ષેપ, પોલીસ પર ફરિયાદ ન લેવાનો પણ આરોપ”


સુઈગામ: વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના કાણોઠી ગામમાં એક મહિલાએ ગંભીર મારપીટ અને ધમકીના આક્ષેપો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. દિવાળીબેન હરદાસભાઈ ચૌહાણે આક્ષેપ કર્યો છે કે ગામના મેવાભાઈ તથા તેમના પરિવારના સભ્યોએ તેમને અને તેમના ભાઈને ઘરમાંથી બળજબરીપૂર્વક લઈ જઈ બંધક બનાવી ધોકા, લાકડીઓ તથા ગડદા-પાટુથી ત્રણ કલાક સુધી માર માર્યો હતો.
દિવાળીબેનના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી બંને પક્ષ વચ્ચે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં કોર્ટમાં તારીખ પૂર્ણ કરીને ઘરે પરત આવ્યા બાદ મેવાભાઈના સાસુ સમાધાનના બહાને તેમના ઘરે આવ્યા હતા. દરવાજો ખોલ્યા બાદ અન્ય લોકો સાથે મળીને દિવાળીબેન અને તેમના ભાઈને બળજબરીથી મેવાભાઈના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રૂમમાં બંધ કરી તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દિવાળીબેને વધુમાં જણાવ્યું કે ઘટનાના સમયે તેમનો ભાણેજ પણ ઘરમાં હાજર હતો. મારપીટનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતાં મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યા હતા. બાદમાં મોબાઈલ પરત આપતાં ફરી ફરિયાદ કરશો અથવા કોર્ટમાં કાર્યવાહી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
પીડિતાના જણાવ્યા મુજબ તેઓ ફરિયાદ નોંધાવવા સુઈગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હોવાનું તેમણે જણાવ્યું છે. દિવાળીબેને પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર સમક્ષ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત હેરાનગતિ અને હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે અને સમયસર ન્યાય નહીં મળે તો ગંભીર પગલું ભરવાની ફરજ પડી શકે છે.
આ સમગ્ર મામલો પીડિત પક્ષના આક્ષેપો પર આધારિત છે. ઘટનાને લઈને પોલીસ અથવા આરોપી પક્ષનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી સામે આવ્યો નથી. સત્ય હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.




