THARADVAV-THARAD

વાવ-થરાદમાં RTO કચેરી કાર્યરત, છતાં કામ માટે બનાસકાંઠાના ધક્કા!

40 નંબરનો જિલ્લો બન્યો છતાં નિયમિત RTO ઇન્સ્પેક્ટરની નિમણૂકના અભાવે વાહનચાલકો મુશ્કેલીમાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરીને રચાયેલા વાવ-થરાદ જિલ્લાને બે વર્ષ જેવા પહેલા અલગ જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને જિલ્લાને 40 નંબરનો ડાયસ કોડ પણ ફાળવવામાં આવ્યો હતો. જિલ્લાના વહીવટને સરળ બનાવવા વિવિધ સરકારી કચેરીઓની સાથે RTO કચેરીની પણ ફાળવણી કરવામાં આવી હતી. જોકે, નિયમિત RTO ઇન્સ્પેક્ટરની નિમણૂક હજુ સુધી ન થતાં કચેરી સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત બની શકી નથી.

મળતી માહિતી મુજબ RTO કચેરીમાં ક્લાર્કની નિમણૂકના ઓર્ડર થઈ ગયા છે, પરંતુ RTO ઇન્સ્પેક્ટરની નિમણૂકના ઓર્ડર હજુ બાકી છે. હાલમાં વાવ-થરાદ RTOનો વહીવટી ચાર્જ બનાસકાંઠા જિલ્લાના અધિકારી પાસે હોવાથી ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી, પરમિટ સહિતના અનેક કામો માટે અરજદારોને હજુ પણ બનાસકાંઠા જવું પડે છે.

જિલ્લાના અનેક ગામોના અરજદારોને પોતાના કામ માટે આશરે 100કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વધારાનો બોજ સહન કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે નવો જિલ્લો બન્યા બાદ પણ જો RTO જેવી મહત્વની સેવા માટે અન્ય જિલ્લામાં જવું પડે તો અલગ જિલ્લાની રચનાનો હેતુ અધૂરો રહે છે.

જિલ્લાવાસીઓએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ સમક્ષ માંગ કરી છે કે વાવ-થરાદ RTO કચેરીમાં નિયમિત RTO ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને કચેરીને સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવામાં આવે, જેથી જિલ્લાના હજારો વાહનચાલકો અને લાઇસન્સ ધારકોને બનાસકાંઠાના ધક્કામાંથી મુક્તિ મળે અને તમામ RTO સેવાઓ પોતાના જિલ્લામાં જ ઉપલબ્ધ બને.

Back to top button
error: Content is protected !!