થરાદમાં ભાજપને ઝટકો: મહિલા આગેવાન ભાવનાબેન ગોહિલ કોંગ્રેસ તરફ વળી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે થરાદ શહેરમાંથી ભાજપ માટે એક મહત્વપૂર્ણ રાજકીય ઝટકો સામે આવ્યો છે. ભાજપ મહિલા મોરચાની જૂની કાર્યકર્તા અને શહેર પેનલ બોડીમાં ઉપપ્રમુખ તરીકે કામગીરી બજાવનાર ભાવનાબેન ગોહિલે કોંગ્રેસ પાર્ટીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
મળતી માહિતી મુજબ ભાવનાબેન ગોહિલની સગી જેઠાણી દ્વારા કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતા તેઓએ પણ પરિવારજનોના સમર્થનમાં ભાજપ છોડીને કોંગ્રેસ તરફ વળવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
ચૂંટણીના આ સમયમાં ભાજપના સક્રિય કાર્યકર્તા દ્વારા પક્ષવિરોધી પગલું ભરાતા ભાજપ માટે આ એક ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાં નવા ઉમેરાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાને લઈને બંને પક્ષોના રાજકીય સમીકરણોમાં બદલાવ આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.




