થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ: ઘરોમાં પાણી ઘૂસ્યા, તંત્રે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ: વાવ-થરાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની વચ્ચે થરાદ શહેરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ લોકોને સલામત સ્થળે પહોંચવા માટે તંત્રની મદદ લેવી પડી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને નગરપાલિકા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગઈ હતી. થરાદના પ્રાંત અધિકારી સાજન મેર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ તથા સભ્યોએ સ્થળ મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને રાહત કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવી શિવનગર પ્રાથમિક શાળા ખાતે તાત્કાલિક આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
સ્થાનિક તંત્રએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.




