THARADVAV-THARAD

‘માત્ર 2-3 લાખના વળતરે કરોડોની જમીન પર કબજો નહીં ચાલે’ — ખેડૂતો; ‘થાંભલા નહીં નાખવા દો તો પોલીસ બોલાવીશું’ની ચેતવણીનો પણ દાવો

અન્નદાતાના હક્કો પર વિકાસનું બુલડોઝર? કરોડોના સોલાર પ્રોજેક્ટ સામે પઠામડાના ખેડૂતોનો રોષ ઉગ્ર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

થરાદ તાલુકાના પઠામડા ગામમાં સોલાર ક્રાફ્ટ કંપનીના સોલાર પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. ગામના અનેક ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી ખેતીની જમીનમાંથી હાઈવોલ્ટેજ વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર કરવામાં આવી રહી છે અને ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ બદલામાં માત્ર રૂ. 2થી 3 લાખ જેટલું વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે, જે જમીનની વાસ્તવિક કિંમત અને ભવિષ્યના નુકસાનની સામે અત્યંત નગણું હોવાનું ખેડૂતો માની રહ્યા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના સોલાર પ્રોજેક્ટ માટે અન્નદાતાની જમીનનો આધાર લેવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યારે ખેડૂતોના હક્કો અને વળતરની વાત આવે છે ત્યારે તેમની રજૂઆતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે જો અન્નદાતાની જમીન, જીવન અને ભવિષ્ય સાથે સમાધાન કરાવવામાં આવશે તો તે સ્વીકાર્ય નથી.

અસરગ્રસ્ત ખેડૂત ભાણાભાઈ પ્રતાપભાઈ ઠાકોરે જણાવ્યું કે, “મારી પાસે માત્ર એક એકર જમીન છે અને એ જ મારા પરિવારની આજીવિકાનો આધાર છે. અહીં જ મારું રહેણાંક મકાન આવેલું છે. અમારી સંમતિ વિના અને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ અમારા ખેતરની વચ્ચેથી હાઈવોલ્ટેજ લાઇન ખેંચવામાં આવી રહી છે. અગાઉ કોઈ લેખિત જાણ કે નોટિસ પણ આપવામાં આવી નહોતી.”

અન્ય ખેડૂત કાળાભાઈ ભગાભાઈ ઠાકોરે સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ માપદંડો સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ ટ્રાન્સમિશન લાઇનમાં ટાવર વચ્ચે અલગ-અલગ અંતર રાખવામાં આવ્યું છે. ક્યાંક 760 ફૂટ, ક્યાંક 580 ફૂટ, ક્યાંક 200 ફૂટ અને ગૌચર વિસ્તારમાં આશરે 150 ફૂટ જેટલું અંતર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ અંતર કયા ટેકનિકલ ધોરણોના આધારે નક્કી કરવામાં આવ્યું છે તે અંગે પણ ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે.

ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે તેમણે પોતાની જમીનમાં થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કર્યો ત્યારે સંબંધિત લોકો દ્વારા “થાંભલા નહીં નાખવા દો તો પોલીસ બોલાવીશું” તેવી ચેતવણી આપવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેમની રજૂઆતો સાંભળવાને બદલે દબાણ હેઠળ કામગીરી આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, એકવાર ટાવર ઊભો થઈ જાય અને વીજલાઇન પસાર થઈ જાય પછી ખેતીની પદ્ધતિ, સિંચાઈની વ્યવસ્થા, ટ્રેક્ટર સહિતના કૃષિ સાધનોના ઉપયોગ અને જમીનના બજાર મૂલ્ય પર લાંબા ગાળાની અસર પડી શકે છે. ઉપરાંત હાઈવોલ્ટેજ લાઇનથી ભવિષ્યમાં અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે સોલાર ક્રાફ્ટ કંપનીએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે પારદર્શક ચર્ચા કર્યા વગર અને વાસ્તવિક મૂલ્યાંકન કર્યા વગર કામગીરી આગળ વધારી છે. ખેડૂતોની માંગ છે કે જમીનની વાસ્તવિક કિંમત, પાકને થતું નુકસાન, ભવિષ્યની અસર, ટેકનિકલ માપદંડો અને કાયદાકીય જોગવાઈઓના આધારે ન્યાયસંગત વળતર નક્કી કરવામાં આવે.

આ સમગ્ર મામલે ખેડૂતો જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારીમાં છે. તેમની માંગ છે કે સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તમામ કાયદાકીય અને ટેકનિકલ જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર અપાવવામાં આવે.

પઠામડા ગામમાં હાલ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે અન્નદાતાના હક્કોનું હનન, પૂરતા વળતર વિના જમીનનો ઉપયોગ અને સુરક્ષા અંગેની અવગણના સ્વીકારવામાં આવશે નહીં. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો ન્યાયપૂર્ણ ઉકેલ નહીં આવે, ત્યાં સુધી તેઓ કાયદેસર અને લોકશાહી રીતે પોતાનો વિરોધ ચાલુ રાખશે.

Back to top button
error: Content is protected !!