વાવ પોલીસ વિસ્તારમાં એલ.સી.બી.નો મોટો દરોડો: રૂ. 13.68 લાખનો દારૂ અને ક્રેટા કાર કબજે

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ઢીમા ગામની સીમમાં ઢીમા-સપ્રેડા રોડ ઉપર એલ.સી.બી. વાવ-થરાદની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,344 બોટલો અને એક ક્રેટા કાર સહિત કુલ રૂ. 13,68,640નો મુદ્દામાલ કબજે કર્યો છે. કાર્યવાહી દરમિયાન કારનો ચાલક વાહન કાંટાળી વાડમાં ફસાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ઢીમા-સપ્રેડા રોડ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે રૂ. 3,68,640 કિંમતનો વિદેશી દારૂ તથા રૂ. 10 લાખ કિંમતની ક્રેટા કાર મળી કુલ રૂ. 13,68,640નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર આરોપી વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી, પો.સબ.ઇન્સ. આર.વી. ડાભી, એ.એસ.આઈ. અશોકભાઈ સજાભાઈ તથા એલ.સી.બી. વાવ-થરાદની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.




