ભાપી ગામે ભાજપના પૂર્વ ડેલિગેટ અને માજી સરપંચના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
બાથરૂમમાં સંતાડેલી 126 બોટલ-બીયર ટીન સાથે પોલીસે રૂ. 28 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાના ભાપી ગામમાં દારૂબંધી વચ્ચે ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ડેલિગેટ તેમજ સરપંચના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન બાથરૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભાપી ગામના પાટિયા પાસે આવેલ રમેશભાઈ માનસંગભાઈ પટેલના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ખાનગી રાહે રેડ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે પશ્ચિમ દિશાના બારણાવાળું પાકું ધાબાવાળું મકાન ખુલ્લું અને ઇલેક્ટ્રિક લાઇટ ચાલુ હાલતમાં જોવા મળ્યું હતું, પરંતુ મકાનમાં કોઈ વ્યક્તિ હાજર મળી આવી નહોતી. ઘરની તપાસ દરમિયાન શરૂઆતમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી.
પરંતુ બાદમાં પોલીસે ધાબા ઉપર જવાની સીડી નીચે આવેલા બાથરૂમની તપાસ કરતાં અંદર ખાખી રંગની ત્રણ પુઠ્ઠાની પેટીઓ અને એક કપડાની થેલી જોવા મળી હતી. પોલીસે પેટીઓ અને થેલી ખોલતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની કાચની બોટલો તેમજ બીયર ટીનનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ નંગ-126 દારૂની બોટલો અને બીયર ટીન કિંમત રૂ. 28,788/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી ઘરે હાજર મળી આવ્યા નહોતા, જેથી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ભાપી ગામ સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે, કારણ કે આરોપી ભાજપના પૂર્વ ડેલિગેટ તેમજ સરપંચ તરીકે ઓળખાતા હોવાની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધાર્યો છે.




