THARADVAV-THARAD

નશામાં બેફામ દોડતી થારને 112 ટીમે રોકી, ચાલક પોલીસના હાથે ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશનની 112 ટીમે પેટ્રોલિંગ દરમિયાન દારૂના નશામાં બેફામ રીતે મહિન્દ્રા થાર ચલાવતા એક વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પોલીસ ફરિયાદ મુજબ, થરાદ-ઢીમા ત્રણ રસ્તા નજીક ફરજ પર રહેલી 112 ટીમે એક મહિન્દ્રા થાર ગાડીને આડા-અવળી અને જોખમી રીતે દોડતી જોઈ હતી. પોલીસ દ્વારા હાથના ઈશારા કરી ગાડીને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા તેને થરાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

 

પકડાયેલા આરોપીની ઓળખ ચમનભાઈ કનાભાઈ પરમાર (વજીર), ઉંમર 32 વર્ષ, રહે. વખારવાસ, થરાદ તરીકે થઈ છે. પોલીસ અને પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં આરોપીના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ હતી તેમજ શરીર પરનું સંતુલન જાળવી શકતો ન હોવાનું નોંધાયું હતું.

 

વધુ તપાસમાં આરોપી પાસે દારૂ પીવા માટે કોઈ પાસ-પરમિટ ન હોવાનું તેમજ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, તે જે મહિન્દ્રા થાર ચલાવી રહ્યો હતો તેમાં આગળ અને પાછળ નંબર પ્લેટ લગાવેલી ન હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

 

પોલીસે અંદાજે રૂ. 5 લાખ કિંમતની મહિન્દ્રા થાર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 185, 3 અને 181 તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

જિલ્લા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે દારૂના નશામાં વાહન ચલાવવું ગંભીર કાયદેસર ગુનો છે. આવા કૃત્યોથી પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે. માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આવા બેદરકાર ચાલકો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!