થરાદ શીત કેન્દ્રમાં દૂધ દિવસની ધામધૂમ: મહિલાઓનું સન્માન, બનાસ ડેરીના ગૌરવગાન વચ્ચે CM ઉપસ્થિત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના થરાદ સ્થિત શીત કેન્દ્ર ખાતે ‘દૂધ દિવસ’ અને મહિલા સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તાર ઉત્સવમય બન્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતની દૂધ ક્રાંતિ માત્ર આર્થિક વિકાસ નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું પણ પ્રતિક છે. તેમણે ખાસ કરીને બનાસ ડેરી ના કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે બનાસ ડેરી આજે વિશ્વસ્તરે પોતાનું આગવું સ્થાન બનાવી ચૂકી છે. ખેડૂતો અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં બનાસ ડેરીનો યોગદાન અદ્વિતીય છે.
તેમણે ઉમેર્યું કે બનાસ ડેરીએ ટેકનોલોજી, પારદર્શિતા અને સંચાલનના શ્રેષ્ઠ મોડેલ દ્વારા દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. લાખો દૂધ ઉત્પાદક પરિવારોને રોજગાર અને સ્થિર આવક આપતા બનાસ ડેરી આજે દેશ-વિદેશમાં એક આદર્શ સંસ્થા તરીકે ઉભરી આવી છે. દૂધ ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગમાં નવા માપદંડો સ્થાપિત કરીને બનાસ ડેરીએ અનેક એવોર્ડ અને સન્માનો પ્રાપ્ત કર્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.
મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગામડાની મહિલાઓ આજે દૂધ ઉદ્યોગની રીડ બની ગઈ છે. તેમની મહેનત અને સમર્પણના કારણે જ દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેથી તેઓ આર્થિક રીતે વધુ મજબૂત બની શકે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ સંમેલનમાં મહિલા શક્તિ સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી, જેમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો નરેશ ઠાકોર તેમજ બનાસકાંઠા પ્રભારી વિશાલભાઈ પટેલ તેમજ ના બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
થરાદ શીત કેન્દ્ર ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં મહિલાઓનો ભારે ઉમળકો જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘દૂધ ક્રાંતિ’, ‘મહિલા સશક્તિકરણ’ અને ‘વિકાસ’ના સંદેશો ગુંજતા રહ્યા, જ્યારે બનાસ ડેરીના ગૌરવગાન સાથે વાતાવરણ ગર્વ અને ઉત્સાહથી છલકાયું હતું.





