THARADVAV-THARAD

નાની પાવડ ગ્રામ પંચાયત પરના આક્ષેપો સામે ગ્રામજનોનો પલટવાર, ‘આ તો જમીનનો અંગત વિવાદ!’

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ પંથકના નાની પાવડ ગામમાં ગ્રામ પંચાયત અને સરપંચ સામે મનરેગા યોજના સહિતની વિવિધ કામગીરીને લઈને કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે હવે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. આગેવાનોના જણાવ્યા મુજબ, ગામમાં ચાલી રહેલો વિવાદ મુખ્યત્વે અંગત જમીન વિવાદ સાથે સંકળાયેલો છે અને તેને પંચાયત તથા સરપંચ સાથે જોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. જોકે, સમગ્ર મામલે હકીકત જાણવા માટે સરકારી તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

અંગત જમીન વિવાદને પંચાયત સાથે જોડવાનો પ્રયાસ: કરમશીભાઈ

સ્થાનિક અગ્રણી કરમશીભાઈ રામજીભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં અંદરો-અંદર જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ વેરજીભાઈ અને વાઘજીભાઈ વચ્ચેના આ વિવાદને કારણે પંચાયત અને ગામને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “સરકાર રૂબરૂ આવીને સમગ્ર મામલાની તપાસ કરે. તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવે તો હું જવાબદારી સ્વીકારવા તૈયાર છું. ગામમાં લોકોને ખેત તલાવડી અને મનરેગા હેઠળના કામો મળેલા છે.”

હોદ્દ અને ફાળવણી અંગેના આક્ષેપો ખોટા હોવાનો દાવો

ગામના અગ્રણી પટેલ હરસિંહભાઈ માધાભાઈએ જણાવ્યું હતું કે, વાઘજીભાઈ દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ તેમનો અંગત વિરોધ છે અને તેને સમગ્ર ગામ કે ગ્રામ પંચાયત સાથે જોડવો યોગ્ય નથી.

તેમણે જણાવ્યું કે, જે કામગીરી અને ફાળવણી અંગે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. તેમણે સરકારને પણ અપીલ કરી હતી કે, આક્ષેપો અંગે રૂબરૂ તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે.

મનરેગાના કામો પૂર્ણ થયાનો આગેવાનોનો દાવો

પટેલ ધેજીભાઈ પર્બતભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા કામો પૈકી ૩૮ હોદ્દના કામો પૂર્ણ થઈ ચૂક્યા છે અને મજૂરીની રકમ કાયદેસરની પ્રક્રિયા મુજબ ખેડૂતોના ખાતામાં જમા થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષ દરમિયાન ગામમાં આશરે ૧૫૦ જેટલા નવા હોદ્દ બનાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંગત વિવાદને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેમનો આક્ષેપ છે.

જોબ કાર્ડ અંગે પણ સ્પષ્ટતા

જોબ કાર્ડ અંગે કરવામાં આવેલા આક્ષેપો અંગે પણ આગેવાનોએ સ્પષ્ટતા કરી હતી. તેમના જણાવ્યા મુજબ ગામમાં આશરે ૧૫૦ જેટલા કાયદેસર જોબ કાર્ડ છે અને લાભાર્થીઓને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવે છે.

કેટલાક હોદ્દના કામો બાકી હોવાના દાવા અંગે તેમણે જણાવ્યું હતું કે, સંબંધિત સ્થળોએ રૂબરૂ તપાસ કરવામાં આવે તો કેટલાક હોદ્દ ખોદાયેલા અને પાણીથી ભરાયેલા જોવા મળે છે.

સરકારી તપાસની માંગ

નાની પાવડના આગેવાનો દ્વારા સમગ્ર મામલે રાજકીય કે વ્યક્તિગત આક્ષેપ-પ્રતિઆક્ષેપોને બદલે સરકારી તંત્ર દ્વારા સ્થળ પર જઈને મનરેગાના કામો, જોબ કાર્ડ, મંજૂરી, ફાળવણી અને ચૂકવણી સહિતના તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સ્થાનિક આગેવાનોનો દાવો છે કે, તપાસ બાદ હકીકત સ્પષ્ટ થઈ જશે અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ, સમગ્ર મામલે સરકારી તપાસનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ જ આક્ષેપોની વાસ્તવિકતા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!