THARADVAV-THARAD

વોતડાઉ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી : ₹1 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સ ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ થરાદ જિલ્લામાં વોતડાઉ ચેકપોસ્ટ ખાતે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના બે શખ્સોને એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, પોલીસ તથા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વોતડાઉ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ બોલેરો ગાડી રોકી તેની તપાસ કરતા અંદરથી 1.17 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂપિયા 1 લાખ જેટલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે તરત જ કાર્યવાહી કરી ગાડીમાં સવાર રાજસ્થાનના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે બોલેરો ગાડી અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોને સપ્લાય કરવાનું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર નશીલા પદાર્થોની હેરાફેરી માટે સંવેદનશીલ ગણાતો હોવાથી પોલીસ દ્વારા સતત ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ મફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!