નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો વહેલી સવારે દિપ પ્રાગટ્ય પૂજા અર્ચના સાથે પ્રારંભ

નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો વહેલી સવારે દિપ પ્રાગટ્ય પૂજા અર્ચના સાથે પ્રારંભ
ચૈત્ર મહિનામાં પ્રારંભાતી ૧૪ કિ.મી.ની નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનું ભાવિકોમાં વિશેષ માહાત્મ્ય
શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખીને તંત્રની સમગ્રતયા સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા જિલ્લાની પાવન ભૂમિ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વ્યવસ્થાઓ ભાવિક ભક્તો-પરિક્રમાવાસીઓ માટે ગોઠવવામાં આવી છે. ત્યારે આજે ૨૯મીએ વહેલી સવારે ૪-૩૦ કલાક દિપ પ્રાગટ્ય, પૂજા અર્ચના કરી ભાવિકો સાથે સંત સાંવરિયા મહારાજ, સાધુસંતો અને પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે માં રેવાના દર્શન કરી ચરણોમાં પુષ્પ અર્પણ કરીને દીપ પ્રાગટ્ય કરીને આ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ભક્તોની ટુકડી સાથે પદયાત્રા કરીને અલૌકિક અદભૂત આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે, સંત સાવરિયા મહારાજે નર્મદા પંચકોશી પરિક્રમાના પ્રારંભમાં નર્મદા મૈયા અને પરિક્રમાના ઇતિહાસનું વર્ણન કર્યું અને પુરાણો અનુસાર નર્મદા નદીના દર્શન અને પરિક્રમાનુ મહત્વ સમજાવ્યું. તેમણે લાંબી પરિક્રમા ન કરી શકતાં શ્રદ્ધાળુઓ માટે 14 કિમીની ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના ધાર્મિક મહત્વ વિશે માહિતી આપીને જણાવ્યું કે, નર્મદા મૈયાના દર્શન-સ્નાન અને પરિક્રમાનું પુણ્ય ગંગા જેટલુંજ મળે છે અને નર્મદે હરના જય ઘોષથી ભાવિકોનો ઉત્સાહ ઉમંગ વધાર્યો હતો. પરિક્રમાર્થીઓની સુવિધા માટે વહીવટી તંત્ર- ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સરાહના કરી હતી. અને પરિક્રમાવાસીઓને શુભેચ્છા સાથે આશિર્વાદ અર્પણ કર્યા હતાં.

કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું કે, પરિક્રમાર્થીઓ માટે મજબૂત અને ટકાઉ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી યાત્રાળુઓને કોઇ મુશ્કેલી નહીં થાય. ટેન્ટ, રેલિંગ જેવી સુવિધાથી યાત્રાળુઓમાં યોગ્ય અંતર જળવાશે તેમજ જેટીઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવીને વધુ બોટ પાર્ક કરીને વધુ ભક્તોને બીજા કિનારે સુધી પહોંચાડવામાં સરળતા થશે.સખી મંડળની બહેનોને સ્ટોલ્સ અપાયા છે, જ્યાં ઓર્ગેનિક ફૂડ, થંડા પીણા સહિત અન્ય વસ્તુઓના વેચાણ થકી આવક પ્રાપ્ત કરી શકે તે માટે સ્ટોલ્સ આપવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. હેલ્થ ટીમ અને 24×7 પેટ્રોલિંગ ટીમ પણ તૈનાત છે. તેમજ સ્વચ્છતાને જાળવી રાખવા માટેની પણ સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમાની વ્યવસ્થા માટે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ચોવીસ કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે.

તિલકવાડા-શહેરાવ ઘાટ પર કામ ચલાઉ બ્રિજ અને રીંગણ-રામપુરા ઘાટ વચ્ચે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ આકસ્મિક ઘટના નિવારવા માટે સ્પીડ બોટ્સ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, શરૂઆતથી અંત સુધી આ પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચારે ઘાટ પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તેમજ પીએસઆઇ રેન્ક સહિતના જવાનોને તૈનાત કર્યા છે.
આ તકે સુરક્ષાના પગલે એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવેલ છે. જેમાં “વાવ ટીમ” પીએસઆઈ ગામીત ૮૭૮૦૪૯૨૨૧૩, પીએસઆઈ વસાવા ૯૬૮૭૨૮૭૪૩૭, ૭૯૯૦૮૦૨૦૧૩ નો સંપર્ક કરી શકાશે. વધુમાં શ્રદ્ધાળુઓને લાઈફ જેકેટનો ફરજીયાત ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.



