RAMESH SAVANI

Ramesh Savani : બ્રહ્માજીએ અબજો વરસ સ્તુતિ કરી ત્યારે સહજાનંદજીનો જન્મ થયો !

[ભાગ-20]
BAPS દ્વારા પ્રકાશિત ‘સત્સંગ વિહાર’ (ભાગ-1) પુસ્તકના પેજ- 23 પર લખ્યું છે : “આપણી આકાશગંગામાં 1 બ્રહ્માંડ ટપકાં જેટલું સ્થાન ધરાવે છે. બ્રહ્માજી બ્રહ્માંડનું સર્જન કરે છે. આવા તો અનંત કોટિ બ્રહ્માંડો છે. એ તમામ બ્રહ્માંડોના રાજાધિરાજ પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી ભગવાન શ્રીજી (સહજાનંદજી) મહારાજ છે. આપણા બ્રહ્માંડના બ્રહ્માજીએ 50 વરસ અને દોઢ પહોર (એટલે કે આપણાં અબજો વર્ષ) સ્તુતિ કરી, ત્યારે આપણા ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા હતા.” આ પુસ્તકના પેજ-8 પર લખ્યું છે : “શ્રીજી મહારાજ કારિયાણી ગામમાં બિરાજ્યા હતા. સામે વિકમશી ખાચર નામના દરબાર બેઠા હતા. શ્રીજી મહારાજે તેમને કહ્યું ‘તમે પૂર્વજન્મમાં ખંભાતના સુથાર હતા. તમારું નામ નારાયણ હતું. તમારા પિતાનું નામ હીરાભાઈ હતું. માતાનું નામ પૂંજી બહેન હતું. તમે મૃત્યુ પામ્યા તે પછી તમારી માં રડી-રડીને અંધ થયાં છે. તમારી હવેલી વાણિયાને ત્યાં ગીરવે મુકાઈ છે. તમારા માતા હાલ વાણિયાએ બનાવેલ નાની ઝૂંપડીમાં રહે છે.’ વિકમથી ખાચરે પૂછ્યું : ‘મહારાજ તમે કહો છો તે સાચું છે, તેની ખાતરી શું?’ શ્રીજી મહારાજે કહ્યું : ‘તમારા પિતાએ હવેલીના મુખ્ય ઓરડાના ત્રીજા પાટડામાં 500 રુપિયા મૂક્યા છે.’ વિકમશી સીધા ખંભાત પોતાના પૂર્વજન્મનાં માતા પાસે પહોંચ્યા. તપાસ કરી તો 500 રુપિયા નીકળ્યા. તે પૂંજીમાને આપ્યા અને કહ્યું કે ડોશીમાં, હું તમારો નારણ છું. હાલ કારિયાણીમાં કાઠીને ત્યાં જન્મ્યો છું…” ‘સત્સંગ વિહાર’ (ભાગ-2) પુસ્તકના પેજ-77 પર લખ્યું છે : “વચનામૃત વાંચવાથી આખી દુનિયાના બધા જ ધર્મગ્રંથો વાંચી લીધા કહેવાય.” પેજ- 82 પર લખ્યું છે : “સહજાનંદજીએ 7 વર્ષની ઉંમરે તમામ શાસ્ત્રોમાં પારંગત થયા.”
કેટલું જૂઠ ! કેટલું પાખંડ ! માઈથોલોજી સાથે કેવું છળકપટ ! બ્રહ્માજીએ અબજો વરસ સ્તુતિ કરી ત્યારે સહજાનંદજીનો જન્મ થયો ! વિકમશી ખાચરને પૂર્વજન્મનો પરચો સહજાનંદજીએ આપ્યો તે પ્રપંચ નથી? પૂર્વજન્મ અને પુનર્જન્મ થતાં હોય તો સહજાનંદજી પુનર્જન્મ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ ફાંટાઓને એક ન કરી શકે? વચનામૃત દુનિયાના તમામ ગ્રંથો કરતાં ચડિયાતો ગ્રંથ કઈ દ્રષ્ટિથી કહી શકાય? 7 વર્ષની ઉંમરે તમામ શાસ્ત્રોમાં કોઈ પારંગત થઈ શકે? સંપ્રદાયનું આવું સાહિત્ય વાંચીને સત્સંગીઓ દલીલ કરે છે કે “તમારી દ્રષ્ટિ ખોટી છે, દ્રષ્ટિમાં સુધારો કરો…માત્ર સ્વામિનારાયણ ધર્મને જ કેમ ટાર્ગેટ કરો છો? એક વર્ગ એવો છે જે સનાતન ધર્મ માટે કંઈ કરતો નથી; અને જે સનાતન ધર્મનો વ્યાપ પૂરા વિશ્વમાં કરે છે તેને ટાર્ગેટ કરી સમાજના ભાગલા પાડવા દિવસ રાત મથે છે…કૃષ્ણ ભગવાન હતા તો પાંડવોને કેમ વનવાસ આવ્યો? કૃષ્ણ યુદ્ધ કેમ રોકી શક્યા નહી? સીતાને રાવણ લઈ ગયો તેને ભગવાન રામ કેમ રોકી શક્યા નહીં? ચાલો આપો જવાબ ! એમને ભગવાન કઈ રીતે કહેવા? શું તમને BAPSના સમાજ ઉપયોગી અને વ્યક્તિ વિકાસ ઘડતરના કાર્યો દેખાતા નથી? BAPSને જાણવા, સર્વોપરી ગુણાતીતાનંદ સ્વામીને જણવા તમારે અનંત જન્મ લેવા પડે… પૂજ્ય મહંત સ્વામી અને પૂજ્ય ડોક્ટર સ્વામીએ સ્પષ્ટતા કરી છે કે પ્રમુખસ્વામી સામેના આક્ષપો પાયાવિહોણા છે, તદ્દન ખોટા છે…પ્રમુખસ્વામીએ 50 લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા. તેઓ ધામમાં ગયા ત્યારે 25 લાખ લોકો દર્શને આવ્યા; શું એમના વિરુધ્ધના આક્ષેપો સાચા હોય?”
સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થવો ન જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના ફાંટાઓ જ એકબીજા સામે પોલીસ સ્ટેશને અને કોર્ટમાં ગયા છે, જે ઈતિહાસ છે. પોતપોતાનો વાડો વિશાળ કરવા કેવાં કેવા છળકપટ કરે છે, તેની સમીક્ષા કોર્ટના ચૂકાદાના તથા સંપ્રદાયના ગ્રંથો આધારે કરીએ ત્યારે ‘માત્ર સંપ્રદાયને ટાર્ગેટ કરો છો’ તેમ કહી શકાય નહીં. BAPSએ સનાતન ધર્મનો વ્યાપ પૂરા વિશ્વમાં કર્યો છે, તેમાં સત્ય નથી; તેમણે સહજાનંદજી અને ગુણાતીતાનંદ સ્વામીને જરુર વિશ્વમાં રજૂ કર્યા છે. પરંતુ આ બન્ને અવતારોનું સનાતન ધર્મમાં કોઈ સ્થાન નથી. તેમનું એવું કોઈ સાહિત્ય નથી કે વિશ્વ સમક્ષ મૂકી શકાય. સત્ય રજૂ કરવાથી સમાજના ભાગલા પડતા નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ અનેક ફાંટા પડી ગયા છે, તેમણે જ શ્રદ્ધાળુ લોકોમાં ભાગલા પાડ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીને જાણવા અનંત કોટિ જન્મ લેવાની જરુર એટલા માટે નથી કે તેમનું પુસ્તક ‘સ્વામીની વાતો’ બિલકુલ તર્કહીન છે, છળકપટવાળું છે ! રામ અને કૃષ્ણને સાહિત્યના પાત્રો માનીએ, માઈથોલોજીના પાત્રો માનીએ પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ સહજાનંદજીની સ્તુતિ કરતા હતા ! આવું વિચારવું તે પાખંડ કહેવાય ! BAPSના સમાજ ઉપયોગી કામો/ વ્યક્તિવિકાસના કામો સારા હોય તેથી તેમના સમાજ વિરોધી કામોની સમીક્ષા ન થઈ શકે?
ઉદાહરણ તરીકે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી વિરુદ્ધ મૂળજીએ વૈશ્યના કેસમાં સુપ્રિમકોર્ટે 14 જાન્યુઆરી 1966ના રોજ જે ચૂકાદો આપ્યો તે BAPSના ગાલ પરનો તમાચો છે ! દલિતો સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ સુપ્રિમકોર્ટમાં ગયા હતા, અને દલીલ કરી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુધર્મનો ભાગ નથી ! Bombay Hindu Places of Public Worship (Entry- Authorisation) Act, 1956 અને અગાઉના Bombay Harijan temple entry act 1947 હિન્દુમંદિરોને લાગુ પડે છે, સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુધર્મનો ભાગ નથી, સ્વામિનારાયણ મંદિર હિન્દુમંદિર નથી, તેથી આ કાયદાઓ લાગુ ન પડે ! સુપ્રિમકોર્ટના 5 જસ્ટિસની બેન્ચે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસની દલીલ ફગાવી દીધી હતી. [1966 AIR 1119, 1966 SCR (3) 242] સહજાનંદજીએ/BAPSએ દલિતોનો ઉદ્ધાર કર્યો એ દાવો જૂઠો છે. પ્રમુખસ્વામી સામે સજાતિય સંબંધના આક્ષેપો તેમના અંગત પ્રિયદર્શનદાસ સ્વામીએ કર્યા હતા, પરંતુ પોલીસે FIR નોંધી ન હતી. જો તપાસ થઈ હોત તો સત્ય બહાર આવત. મહંત સ્વામી અને ડોક્ટર સ્વામી પ્રમુખસ્વામી સામેના આક્ષેપો પાયાવિહોણા છે, તેવું કહે તે સ્વાભાવિક છે. પરંતુ પ્રિયદર્શનદાસ સ્વામીએ નાર્કો ટેસ્ટ કરાવવા લેખિત સહમતી આપી હતી, છતાં તેમનો નાર્કો ટેસ્ટ શામાટે થયો નહીં? પ્રમુખસ્વામીએ 50 લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા કે તેમના અંતિમ દર્શને 25 લાખ લોકો આવે તેથી તેઓ પ્રગટ બ્રહ્મસ્વરુપ બની જતા નથી ! સંપ્રદાયના સાહિત્યમાં કે પેઈન્ટિગમાં બ્રહ્મા/ વિષ્ણુ/ મહેશને સહજાનંદજીની સ્તુતિ કરતા દર્શાવવાથી; સહજાનંદજી ‘સર્વોચ્ચ ભગવાન’ બની જતા નથી ! દિલ્હી અક્ષરધામમાં એક વિશાળ પેઈન્ટિંગ મૂક્યું છે. તેમાં યુવાન સહજાનંદજી ગાદી પર બેઠાં છે અને સામે બ્રહ્મા/ વિષ્ણુ/ મહેશ વગેરે દેવો સહજાનંદજીની સ્તુતિ કરતાં ઊભા છે ! સ્વામિનારાયણના સાધુઓ બેઠાં છે. પોતાના સાધુ સહજાનંદજી સામે બેસી શકે, પરંતુ કરોડો હિન્દુઓ જેમને દેવ માને છે એમને તો ઊભા ઊભા સહજાનંદજીની સ્તુતિ જ કરવાની ! આ પેઈન્ટિંગ જ સ્વામિનારાયણ સંપ્રદાયના છળકપટનો સજ્જડ પુરાવો છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!