ગામડાંની મોટા ભાગની સ્કૂલો ડમી શિક્ષકોના હવાલે ચાલી રહી છે, શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ
.શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરીની સમીક્ષા રાજય સરકારના 'વિદ્યા સમીક્ષા' કેન્દ્ર ઉપર થઈ રહી છે છતાં ચાલુ નોકરી અને ચાલુ પગારે કઈ રીતે શિક્ષકો વિદેશ પહોંચી ગયા છે.

સરકારી શાળામાં નોકરી અને પગાર ચાલુ રાખી વિદેશગમન કરી ગયેલા શિક્ષકોનું એક કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે.શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરીની સમીક્ષા રાજય સરકારના ‘વિદ્યા સમીક્ષા’ કેન્દ્ર ઉપર થઈ રહી છે છતાં ચાલુ નોકરી અને ચાલુ પગારે કઈ રીતે શિક્ષકો વિદેશ પહોંચી ગયા છે. ગામડાંની મોટા ભાગની સ્કૂલો ડમી શિક્ષકોના હવાલે ચાલી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાંચ જેટલા શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે લાંબા સમયથી ફરજમાં લાપરવાહી દાખવી રજા પર ઉતરેલા હોવાનું સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં બે, કાંકરેજ તાલુકામાં બે અને વાવમાં એક મળી કુલ 5 શિક્ષકો છેલ્લા એક વર્ષથી સળંગ રજા ઉપર હોય આ શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રિપોર્ટ તૈયાર કરી કારણદર્શક ખુલાસો રજૂ કરવા ત્રણ ત્રણ વાર નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં આ શિક્ષકો દ્વારા કોઈ જ પ્રત્યુતંર આપવામાં ના આવતા ફરજમાં ગુલ્લી મારતા પાંચ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આખરી નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ ખુલાસો રજૂ કરવા નહીં આવે તો આ 5 શિક્ષકોના ફરજ મોકૂફી હુકમો કરવામાં આવશે.
શિક્ષણ વિભાગમાં નોકરી લાગી તગડો પગાર લઈને પણ વિદેશ જઈ કમાણી કરવા માટે બાળકોના શિક્ષણનો ભોગ લેતા શિક્ષકો સામે હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જેમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટર્મિનેશનની પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનાથી જ ચાલુ કરી દીધી છે જેમાં 8 જેટલા વિદેશ ગયેલા શિક્ષકોમાંથી 3ને 31.07.2024ના રોજ 3 શિક્ષકોને સર્વીસ ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.
કપડવંજના શિવપુરાની પ્રાથમિક શાળામાં ડમી શિક્ષકનો કિસ્સો બહાર આવ્યો છે. આ સ્કૂલના મુખ્ય શિક્ષક આશિષ પટેલ વિજય નામની અન્ય વ્યક્તિને પોતાના સ્થાને મૂકીને પગાર લે છે. મુખ્ય શિક્ષક આશિષ પટેલનો પગાર 80 હજાર રૂપિયા છે પણ તેમને પગાર લેવા સિવાય બીજો રસ જ નહોતો તેથી પોતાના બદલે સ્થાનિક યુવકને ડમી તરીકે મૂકીને પોતે બીજા બધા ધંધા કર્યા કરતા હતા. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, વિજયભાઈ પાછળા ઘણા સમયથી અમને ભણાવે છે અને આશિષ પટેલ તો આવતા જ નથી. ગુજરાતનાં મોટા ભાગનાં ગામડાંની સ્કૂલો આ રીતે ડમી શિક્ષકોના ભરોસે ચાલે છે. આ સ્થિતી હોય ત્યાં ગુજરાતના શિક્ષણનું સ્તર ક્યાંથી ઉંચુ આવે?
બનાસકાંઠા જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો બાળકોના અભ્યાસના ભોગે ફરજમાં ગુલ્લી મારી એક વર્ષ કરતા વધુ સળંગ ગેરહાજર રહેતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જિલ્લાના 5 શિક્ષકોને તાલુકા કક્ષાએ 3-3 વાર નોટિસો આપવા છતાં આ શિક્ષકો દ્વારા પ્રત્યુતર આપવામાં ના આવતા આ શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આખરી નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં પણ શિક્ષકો જવાબ રજૂ કરવામાં નહીં આવે તો તેમની સામે ફરજ મોકૂફીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રજાના નિયમ..
સરકારી કર્મચારીને વિદેશ જવા માટે પરત આવવાની શરતે કુલ 90 દિવસની રજા જિલ્લા કક્ષાએ જ મંજુર કરવામાં આવે છે. 90 દિવસ કરતાં વધુ સમય રજા મળતી નથી. એ સિવાય અન્ય રજાઓ જેવી કે મેડિકલ સહિતની બાબતોમાં હક રજા મળતી હોય છે, જે સરકારે નક્કી કરેલી હોય છે. એ સિવાય વધુ રજા કપાત પગારથી અપાતી હોય છે. જોકે કોઈ કર્મચારી એક વર્ષથી વધુ સમય કોઈપણ પ્રકારની મંજૂરી વિના રજા ઉપર રહે તો તેને બરતરફ કરવા સુધીના પગલા ભરવાની જોગવાઈ છે. પરંતુ આ સમજોગોમાં પણ કર્મચારીને કારણ દર્શક નોટીસ આપી પ્રથમ ખુલાસો પૂછ્યાં બાદ જ કાર્યવાહી કરાતી હોય છે.





