
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી એમ. વેંકટેશનજીની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના સફાઇ કામદારોના પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠક કલેકટર કચેરી નવસારી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી એમ. વેંકટેશનજીએ નગરપાલિકામાં કાયમી અને કોન્ટ્રાક્ટમાં પોતાની ફરજ અદા કરતાં સફાઇ કર્મયોગી ભાઈ-બહેનો સાથે રૂબરૂ વાતચિત કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. તથા ઉપસ્થિત સંબંધિત કર્મચારી અધિકારીઓને પ્રશ્નોના અનુરૂપ જરૂરી સુચનો આપ્યા હતા. તેમણે સફાઇ કર્મયોગી ભાઈ બહેનોને આયોગનો ટોલ ફ્રી નંબર ૦૧૧-૨૪૬૪૮૯૨૪ ઉપર કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો ફરીયાદ નોંધાવવા જણાવ્યું હતું. અધ્યક્ષશ્રીએ વધુમાં સફાઇ કર્મચારીઓને મળતો પગાર, ઓળખકાર્ડ, ઇન્સ્યોરન્સ, સમયાંતરે આરોગ્યની ચકાસણી સહિત વિવિધ સાધન સુવિધાઓ આપવામાં આવે તે અંગે પુછતાછ કરી હતી.
અધ્યક્ષશ્રીએ અંતે ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ધ્યેય વિશે જાણકારી આપી ઉમેર્યું હતું કે, સફાઇ કર્મચારીઓને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન કરવાનો ઉમદા આશય આ આયોગનો છે. સફાઇ કામદારોને સમાજની મુખ્યઘારા સાથે ભેળવવાના ભાવ સાથે સમગ્ર રાષ્ટ્રમાં સફાઇ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા માટે આ આયોગ કામ કરી રહ્યું છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સુચનો આપ્યા હતા. તેમણે આઉટસોર્સના કે કાયમી તમામ સફાઇ કામદારોને ઇન્સ્યોરન્સ આપવામાં આવે તે સુનિશ્વત કરવા જણાવ્યું હતું. તેમણે કોન્ટ્રાકટ રાખનાર એજન્સીઓને કર્મચારીઓને હાથના મોજા, બુટ, ઇન્સ્યોરન્સ, માસ્ક, યુનિફોર્મ, બ્લડ ગ્રૃપ સાથેનું આઇ-કાર્ડ, સેનેટાઇઝર સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી સફાઇના સાઘનો આપવા માટે તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ, નગરપાલીકા ચીફ ઓફિસરશ્રીઓ, શ્રમ રોજગાર અધિકારીશ્રી સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીશ્રીઓ, કોન્ટ્રાકટ રાખનાર એજન્સીઓના પ્રતિનિધિઓ અને સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.





