RAJKOTRAJKOT CITY / TALUKO

જિલ્લાની સરકારી કચેરીઓમાં હોમ-હવન માટે પાબંદી… કલેકટર પ્રભવ જોષી

યજ્ઞમાં આહુતિ આપનારા સામે શિક્ષાત્મક પગલાની માંગણી કરતું વિજ્ઞાન જાથા. ડે. કલેકટરની બદલીની માંગ કરતું વિજ્ઞાન જાથા, ઉચ્ચ કક્ષાએ રજૂઆત. ઓફિસમાં ક્રિયાકાંડોનું પુનરાવર્તન નહિ થાય... જાથાને ખાત્રી આપતા કલેકટર. ડે. કલેકટરે ઘરે હોમ-હવન કરવા જોઈએ... પ્રભવ જોષી. વિજ્ઞાન જાથાની રજુઆતને સફળતા, પ્ર.નગર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.

અમદાવાદ: રાજકોટમાં યોજાતા લોકમેળામાં વિઘ્ન ન આવે તે માટે ડે. કલેકટરે ઓફિસમાં યજ્ઞનું આયોજન કરી કર્મચારીઓ સાથે સ્વાહ-સ્વાહાની આહુતિ આપતા બંધારણ તેમજ સર્વિસ રૂલ્સનો ભંગ થયાનું લાગતા ભારત જન વિજ્ઞાન જાથાએ કલેકટરને આવેદનપત્ર પાઠવતા જિલ્લાની ઓફિસોમાં ક્રિયાકાંડોનું પુનરાવર્તન નહિં થાય તેવી જાથાને ખાત્રી આપવામાં આવી હતી. ડે. કલેકટરે પોતાની ઘરે અંગત માન્યતા પ્રમાણે હોમ-હવન કરવા જોઈએ. જાથાની રજુઆતને સફળતા મળી હતી.

જાથાએ આવેદનપત્રમાં જણાવ્યું કે રાજકોટના ડે. કલેકટર ડૉ. ચાંદનીબેન પરમારે પોતાની ઓફિસમાં ભુદેવને બોલાવી લોકમેળામાં વિઘ્ન ન આવે તે માટે હોમ-હવન, યજ્ઞ, મંત્રોચ્ચારથી આહુતિ આપવાનો કાર્યક્રમ યોજેલ. જે સંવિધાન ભંગ સાથે રાજય કર્મચારી શિસ્ત નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરેલ છે જે માફ કરવા યોગ્ય નથી. તેમને ઉપરાંત કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલા ભરવા જાથા માંગણી કરે છે. આહુતિ આપનારા તમામની બદલી કરવા દાખલો બેસાડવા જાથા માંગણી કરે છે. ડે. કલેકટરે પોતાની અંગત માન્યતા, લાગણી પોતાના ઘરે કરી શકે છે. ઓફિસમાં ટેબલ-ખુરશી વિગેરે હટાવી ત્યાં હવનકુંડ, કર્મકાંડ, ક્રિયાકાંડની પૂજાવિધિની સામગ્રી, ધાર્મિક વિધિ કરાવનારને પગે લાગવું, મંત્રોચ્ચારના ઉચ્ચારણો કરવા, સ્વાહા-સ્વાહાની આહુતિ આપવી બોલવી, બિડુ હોમવું વિગેરે પ્રક્રિયા કચેરીમાં થાય તેનાથી કાયદા-નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે. સરકારી અધિકારી લોકોને કઈ સદીમાં લઈ જવા માંગે છે તેવો યક્ષ પ્રશ્ન જાથાને થાય છે. વિજ્ઞાનની લાગણી દુભાઈ છે. કર્મચારી આ પ્રકારની પ્રવૃત્તિ ઓફિસમાં કરી શકે ? કયા નિયમ આધારે ? તે સ્પષ્ટ અભિપ્રાયની અપેક્ષા છે. સરકાર અંધશ્રદ્ધા વિરૂદ્ધ કાયદો ઘડે, અધિકારી અંધકાર તરફ ધકેલે તે ચલાવી લેવાય નહીં. અધિકારીની માનસિકતાની તપાસ થવી જરૂરી છે. તેની જાથા માંગ કરે છે.

આવેદન પત્ર સાથે ડે. કલેકટરે પોતાની ઓફિસમાં યજ્ઞ કર્યો તેની તસ્વીરો સાથે અહેવાલ વર્તમાનપત્રમાં આવેલ, જે ધ્યાને લઈ પૂજામાં બેઠેલા તમામ સામે શિક્ષાત્મક પગલા ભરવા માંગણી છે. ડે. કલેકટરની તાત્કાલિક અસરથી બદલી કરવી ન્યાય સુસંગત છે. અંધશ્રદ્ધા જાણીબુઝીને ફેલાવે છે. લોકમેળામાં વરસાદનું વિઘ્ન આવ્યું, રોજગારી મેળવનારા તમામને નુકશાની વેઠવી પડી છે. આ માટે ડે. કલેકટરની અંગત જવાબદારી બને છે. ઓફિસમાં હોમ-હવન, યજ્ઞ, આહુતિ, પ્રાર્થનાનો કરૂણ રકાસ સાથે કડડભૂસ થયું છે. તેમાંથી ડે. કલેકટર

બોધપાઠ મેળવે તેવી જાથા સલાહ આપે છે. કુદરત સર્વોપરી છે તેને પ્રાર્થના પૂજા-પાઠ સાથે કશી

જ નિસ્બત નથી. પૃથ્વી ઉપર દર મિનિટે શુભ-અશુભ, હોની-અનહોનિ, લાભ-નુકશાનની

ઘટના બનતી રહે છે તેને કોઈ તાકાત અટકાવી શકતું નથી. મંત્રોચ્ચારથી પાપડ પણ ભાંગી ને શકે તેવું જાથા જાહેર કરે છે. રાજય સરકાર એકબાજુ વિધાનસભામાં અંધશ્રદ્ધા સામે કાયદાનું બીલ લાવે છે, બીજી તરફ અધિકારી અંધશ્રદ્ધા ફેલાવે તે યોગ્ય નથી. સર્વિસ રૂલ્સનો ભંગ કરેલ હોય તમામ સામે કાર્યવાહી જરૂરી છે. સરકારે અગાઉ ૧૯૮૭ અને ૧૯૯૨ માં ૫રિ૫ત્રો જાહેર કરી કોઈપણ સરકારી કચેરીમાં ધાર્મિક વિધિ-વિધાન કે ધાર્મિક દેખાડો કરવો નહિં તેનો પણ અધિકારીએ અમલ કરેલ નથી.

રાજકોટના કલેકટર પ્રભવ જોષીએ આવેદનપત્ર સ્વીકારતા જાથાને જણાવ્યું કે ડે. કલેકટરે પોતાના ઘરે યજ્ઞ યોજવો જોઈએ. જિલ્લામાં આવતી તમામ કચેરીમાં સુચના મોકલી હોમ-હવન જેવા ક્રિયાકાંડોનું પુનરાવર્તન નહિં થાય તેની ખાત્રી ઉચ્ચારી હતી. જાથાની વાત સાથે સહમત થયા હતા. ઓફિસોમાં ક્રિયાકાંડો ઉપર પાબંદી છે, પોતે આ પ્રકરણથી અજાણ છે તેવું સ્વીકારી હવે પછી ઓફિસોમાં આ પ્રકારના હોમ-હવન નહિં થાય તે માટે સંમતિ દર્શાવી હતી. રજુઆત કરતી વખતે આત્મીય, સૌમ્ય વાતાવરણ ઉભું થયું હતું. જાથાની કામગીરીથી પરિચિત હોય શાંતિથી સાંભળ્યા હતા.

વિજ્ઞાન જાથાએ રાજયના રાજયપાલ, મુખ્યમંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, ગૃહ સચિવ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પણ સરકારી કચેરીમાં હોમ-હવન કરવા બદલની જાણકારી સાથે બંધારણ ભંગ સાથે શિક્ષાત્મક પગલાંની રજુઆત કરી છે.

જાથાના જયંત પંડયાએ સરકારી કચેરીઓમાં સ્વાહા-સ્વાહના હોમ-હવન થાય તે દુઃખદ છે. બંધારણે વ્યક્તિગત આસ્થા, શ્રધ્ધા રાખવાનો સૌને હક્ક અને અધિકાર આપ્યો છે. તે વ્યક્તિગત ઘરે પ્રદર્શન કરી શકે છે. યજ્ઞ-પૂજા-પાઠ, મંત્રોચ્ચાર વિગેરે વિધિ-વિધાનથી સરકારી કચેરીને મુક્ત રાખવી જોઈએ. તમામ વર્ગ, જાતિ, કોમને ધ્યાનમાં રાખવું જોઈએ. કચેરી ધાર્મિક પ્રદર્શન કરે તે બંધારણનું ઘોર અપમાન છે. જાથાની વિજ્ઞાન લાગણી દુભાઈ છે તેવી હકિકત મુકવામાં આવી હતી. જાથાને પ્ર.નગર પોલીસ સ્ટેશને બંદોબસ્ત માટે વિશેષ કાળજી લીધી હતી.

આવેદનપત્રમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાઘેલા, એડવોકેટ હર્ષાબેન, પ્રફુલ્લાબેન બોરીચા, હંસાબેન ચુડાસમા, ભાનુબેન ગોહિલ, નિર્ભય જોશી, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ સહિત શુભેચ્છકોએ હાજરી આપી હતી. આવેદનપત્ર વખતે સરકારી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!