GUJARATKUTCHMANDAVI

ખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી.

સ્થાનિક પાક, ઘાસચારાના પાક, બિયારણની પસંદગીથી લઈને પાકોના વિકાસ અને સંરક્ષણ, હાર્વેસ્ટ, પોસ્ટ હાર્વેસ્ટ સહિતના કામો અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન અપાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ભુજ, તા-૦૪ ડિસેમ્બર : કચ્છનો ખાવડા વિસ્તાર સુકા હવામાનનો પ્રદેશ છે. સ્થાનિકો વરસાદ આધારિત ખેતી અને પશુપાલન ઉપર નભે છે. ત્યારે ખેતી આધારિત આવકના અન્ય વિકલ્પો જેવા કે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ એ સમયની માંગ છે. આ વિષયો ઉપર સ્થાનિક ખેડૂતોને એગ્રોસેલ ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી દ્વારા સતત શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ જ કાર્યક્રમોની શ્રેણીના એક ભાગ તરીકે કિશાનો માટે વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારા ખાતે બે દિવસીય તાલીમ કમ પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો હતો.આ તાલીમમાં સંસ્થાના કાર્યકરોની ટીમ સાથે ખાવડા-પચ્છમના ખેડૂતો સામેલ થયા હતા. આ સંશોધન કેન્દ્ર સૂકી ખેતીના પાકો ઉપર સંશોધનની કામગીરી કરે છે. કેન્દ્રના વડા ડૉ. દિનેશ પટેલે મીલેટનું મહત્વ સમજાવી તમામ સહભાગીઓનું મીલેટ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. શ્રી અબડાસા તાલુકા કિસાન મોરચાના પ્રમુખશ્રી રમેશ પટેલના અતિથિવિશેષ પદેથી અને ડૉ. દિનેશ પટેલનાં પ્રમુખ સ્થાનેથી દીપ પ્રાગટ્ય કરીને તાલીમ શરૂ કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં સ્થાનિક પાકો, ઘાસચારાના પાકો, બિયારણની પસંદગીથી લઈને પાકોના વિકાસઅને સંરક્ષણ, હાર્વેસ્ટ, પોસ્ટ હાર્વેસ્ટ સહિતના કામો માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જમીન સુધારણા, જમીનમાં કાર્બનનું પ્રમાણ કઈ રીતે વધારવું અને સારું ઉત્પાદન કઈ રીતે લઇ શકાય જેવા વિષયોને પણ આવરી લીધા હતા. મુલાકાતીઓના રાત્રિ રોકાણ દરમ્યાન મુલાકાતીઓના મનોરંજન માટે કચ્છના નામાંકિત ‘જાદુગર કોબ્રા’ શ્રી દિપકવન એલ.ગોસ્વામી દ્વારા જાદુના વિવિધ પ્રયોગો તેમજ તેના રહસ્ય વિશે સાચી સમજણ આપી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે તેમની આગવી શૈલીમાં મનોરંજન સાથે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.કેન્દ્ર ખાતે આવેલા સૌ ખેડૂતોને ફિલ્ડ વિઝીટ દ્વારા શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષિત પાકો ખાટી આંબલી અને કોઠા(કોંટ), બોરની ખેતી અને મૂલ્યવર્ધન થકી તમામ અવશેષના ઉપયોગ થકી Zero waste technology દ્વારા વધુ આવક મેળવવા વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી. તેમજ કેન્દ્ર ખાતે વિકસિત કરવામાં આવેલી ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન, બીજ કાઢવાના ઓજાર, ઘન જીવામૃત, દળવાનું મશીન, દીવેલા ફોલવાનું મશીન, જીવામૃતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંન્દ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ, બાયોચારની બનાવટ અને તેની ઉપયોગિતા, બાયોએન્જાઈમ વગેરેની બનાવટ અને દવાઓમાં ઉપયોગિતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.મુલાકાતીઓને બાયોગેસ પ્લાન્ટ અને તેના દ્વારા મળતી રબડી ખાતરનું મહત્વ સમજાવી પ્લાન્ટ વસાવવાઅનુરોધ કરવામાં આવ્યો હતો. આભારવિધી એગ્રોસેલ ફાઉન્ડેશન સંસ્થાના પ્રતિનિધિશ્રી અમરાભાઈ ખાંભલા દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!