Rajkot: કોટડાસાંગાણીના ભાડવા ગામે તાલુકાના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ

તા.૬/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ કૃષિ માટે અપાયું મહત્ત્વનું માર્ગદર્શન
ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા ખેડૂતોને અપીલ
Rajkot: ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી રાજ્યમાં છઠ્ઠી ડિસેમ્બરથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે કોટડાસાંગાણીના ભાડવા ગામે તાલુકાકક્ષાના રવિ કૃષિ મહોત્સવનો આરંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ભાડવા ખાતે દીપ પ્રાગટ્ય સાથે રવિ કૃષિ મહોત્સવના આરંભ બાદ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો માટે મહત્ત્વનું માર્ગદર્શન અપાયું હતું. પાકને નુકસાનથી કેવી રીતે બચાવવો, વધુ ઉપજ કઈ રીતે મળી શકે, પાક ચક્ર કેવું હોવું જોઈએ એ વિષય પર પણ માર્ગદર્શન અપાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેતી તથા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેમાં પણ ખેડૂતોને જોડાવા ખેડૂતોને અપીલ કરાઈ હતી. આ સાથે ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા પણ અપીલ કરાઈ હતી.
આ મહોત્સવ દરમિયાન પશુપાલન વિભાગ દ્વારા બે દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કૃષિ, બાગાયત, આત્મા, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈજેશનના સ્ટોલ સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.




