વાગરા: પરવાનગી વિના ખેતરમાં ગેસ લાઈનની કામગીરી કરવા ઘૂસેલા અધિકારીઓને ખેડૂતોએ વાહન સહીત બહાર કાઢ્યા.!!



સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાના લીમડી ગ્રામપંચાયતની સીમમાં ચાલતી કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો. ત્યારે આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. અંતે મામલતદારની સૂચનાથી પોલીસ પ્રોટેક્શન હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરાવવામાં આવી હતી. રોષે ભરાયેલા ખેડૂતોએ તેઓના ખેતરોમાં રહેલ પોકલેન મશીન તેમજ ટ્રેકટર સહિતના વાહનો પણ ખેતરોમાંથી બહાર કઢાવ્યા હતા.
*સમસ્યાનું ચોક્કસ નિરાકરણ નહીં આવે તો અમે કોર્ટ રાહે લડત લડીશું :-* ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં પ્રોજેકટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ લાઇનનો વિરોધ થઇ થઈ રહ્યો છે. ખેડૂતોની સહમતી વિના આ કામગીરી કરાતી હોય, ખેડૂતોનાપાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. કુદરતી આપત્તિઓ બાદ માંડ ઉભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે. વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98/1, 98/2, 99, 100, 78/1, તેમજ 59 માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ પુનઃ વિરોધ નોંધાવ્યો હતો. આ સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે કામગીરી ખેડૂતોની સહમતી વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી. ગત 18 તારીખે પણ આ કામગીરી બંધ કરાવા ખેડૂતોએ ધારાસભ્ય, કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ પણ કરી હતી. જે બાદ કામ બંધ થઈ ગયું હતું. જે બાદ આજે ફરીવાર પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી શરૂ કરવામાં આવતા ફરી વાર ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો. અને સ્થળ પર હાજર કર્મીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું. જોકે અંતે વાગરા મામલતદાર મીનાબેનની સૂચનાથી પોલીસ બંદોબસ્ત હટાવી હાલ પૂરતી કામગીરી બંધ કરાવાની ફરજ પડી હતી. ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવા આવેલ ઇસમોને ખેડૂતોએ તેઓના વાહનો સાથે ખેતરમાંથી બહાર પણ કાઢ્યા હતા. અને આ અંગે જરૂરત પડ્યે કોર્ટના દ્વાર ખખડાવી કાયદાકીય લડત લડી લેવાની પણ તૈયારી ખેડૂતોએ બતાવી હતી.
*સરકારી જગ્યામાં આ લાઇન નાખવામાં આવે તો અમને કોઈજ વાંધો નથી : ખેડૂતો :-* મીડિયા સમક્ષ નિવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું, કે અમારા ખેતરોની બદલે બાજુમાં બંજર જમીનમાંથી આ લાઇન નાખવામાં આવે તો આ વિકાસના કામમાં અમને કોઈજ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે, પાવર ગ્રીડ કોર્પોરેશનના થાંભલાઓ બાદ હવે ગેસ લાઇન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. 6 મહિના પહેલાં છળકપટથી ખેડૂતોની સહીઓ કરાવી હતી. પખાજણના ખેડૂત પટેલ ઇરફાન અબ્દુલનાઓએ જણાવ્યું હતું કે મારી જમીન લીમડી ગ્રંપંચાયતમાં લાગે છે. છ મહિના પહેલા પણ ખેડૂતોને ફોસલાવીને બીજા ખેડૂતોએ સહી કરી છે. તમે પણ કરીદો એમ કહ્યું હતું. જ્યારે અમે બીજા ખેડૂતોને પુછ્યું તો તેમણે કહ્યું અમે સહી કરી નથી. આમ કાયદેસર રીતે કાર્યવાહી કરી નથી. અને છ મહિના પહેલા અમે ગેસ લાઈનનું કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેનો અમે વિરોધ કરીએ છે. અમારા ખેતરોને છોડી ખાલી પડેલ સરકારી બંજર જગ્યામાં આ લાઇન નાખવામાં આવે તો અમને કોઈજ વાંધો નથી. ત્યારે હવે જોવું એ રહ્યું, કે ખેડૂતોની આ સમસ્યાનું અંતે શું નિરાકરણ આવે છે.
*આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે :-* આ અંગે વાગરા મામલતદાર મીનાબેનનાઓએ જણાવ્યું હતું, કે હાલ વાગરા તાલુકાના લીમડી ગ્રામપંચાયતની સીમમાં કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી. જેમાં સ્થાનિક ખેડૂતો વાંધો ઉઠાવી રહ્યા છે. આજે આ કામગીરી ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શરૂ કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો. માટે આ મુદ્દે ખેડૂતો અને ગેસ લાઈનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન ઉભું થાય માટે હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે. આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આગળ શું કરવું એ નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી આ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે.



