દેવમોગરા યાહા મોગી માતાજીનો ભાતીગળ લોકમેળો : આદિવાસીઓનો ધરતીનો ધબકાર

દેવમોગરા યાહા મોગી માતાજીનો ભાતીગળ લોકમેળો : આદિવાસીઓનો ધરતીનો ધબકાર
વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
ચાર રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના આદિવાસી લોકો પરંપરાગત વેશભૂષામાં મેળાને મ્હાલવા લાખોની સંખ્યામાં પાંચ દિવસ ડે નાઈટ મેળામાં મન મૂકીને નાચ-ગાન સાથે ઉમટી પડે છે : આદિવાસીઓની કુળદેવી માતા મહિલાઓનો શ્રૃંગાર ઘરેણા આકર્ષણનું કેન્દ્ર
અહીં માતાજીને હીજારી ટોપલીમાં હોબ ફળ, ફૂલ, અનાજ, શાકભાજી, કઠોળ જે પાક ખેડૂતોએ ખેતરમાં પકવ્યો હોય તે માતાજીના ચરણોમાં લાલ ચૂંદડીથી ટોપલીમાં બાંધી ચૂંદડી શ્રીફળ, પુંજાપો ધરીને ભાવપૂર્વક અર્પણ કરે છે : સાથે જ મહુડાનો દેશી પહેલી ધારનો હોરો બાંધા આખડીવાળા લોકો મરઘીના બે પીલું-બકરા પણ રમતા મૂકે છે. રમતા મુકેલા પશુ-પક્ષીને મારતા નથી જીવની જેમ સાચવે છે. માતાજીએ રમતું મૂકેલુ પશુ, હોરો ભાવથી શ્રધ્ધા પૂર્વક ધરે છે
આ ભાતીગળ દેવ મોગરા મેળામાં ઘર વપરાશ, ખેતીના ઓજાર પરંપરાગત તીરકામઠા, ધારિયા, તલવાર, રસોડાના વાસણ, કપડા, રમકડા, મનોરંજનના વાજીંત્રો માતાજીની ચૂંદડી, પ્રસાદ, સીંગ, ચણા, ખાણી-પીણીના જમીન પર હાટડી નાખી લોકો દુકાનો માડે છે મેળામાં આવતા લોકો કોઇને કોઇ ચીજ-વસ્તુંઓ ખરીદી કરે છે
દેવ મોગરા મેળામાં ભાઈઓ-બહેનો ઘરેથી લાવેલું સીધા-સામાનથી જંગલના લાકડા વડે ત્યાંજ વાસણમાં રસોઇ બનાવી ભાવથી, પ્રેમથી સમૂહમાં આરોગે છે
યાહા મોગી માતા અન્નપૂર્ણા દેવી છે તેને કોંણી માતા પણ કહે છે તેના ચરણોમાં વિવિધ અનાજ ચઢાવે છે જે ચઢાવેલું અનાજનું અડધું અનાજ આદિવાસી પૂજારો ભક્તોને ખોબલો ભરીને પૂંજ તરીકે પરત આપે છે. જે અનાજ ભક્તો તેમના ધન-ધાન્ય કોઠારમાં પોટલી બાંધી મૂકે છે અને તે મૂકેલી પૂંજ કોઠારની પોટલીથી ઘરમાં ક્યારે અનાજ ખૂટતું નથી બરકત આવે છે
ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલું દેવ મોગરા સાતપુડા-વિધ્યાચળ ગીરીકંદરા ના પ્રાકૃતિક સૌદર્યના ગાઢ જંગલમાં સ્થિત છે યાહા મોગી માતાનું સ્વરૂપ સુવર્ણ મૂર્તિ કરૂણા-પ્રેમ આસ્થા શ્રધ્ધાની અતૂટ દેવી છે તેની કહાની પૌરાણિક અને પરંપરાગત વર્ષો જુની છે જે આજે પણ અકબંધ છે મંદિરનું શિખર, સ્વરૂપ નોખું અને નિરાળું છે
ભારતીય માનવ સંસ્કૃતિ દુનિયામાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં ઉત્સવો-મેળાઓ મહત્વની ભૂમિકા અદા કરે છે પ્રાચીન માનવ સંસ્કૃતિ નદી-પહાડો વચ્ચે પાંગરી છે વિકસીત થઇ છે. નદીને લોકમાતા કહેવાય છે એટલે જ માનવી પશુ-પક્ષી, ખેતી નદીના નીર અને માનવીના હીર સાથે ફાલીફૂલીને વિકસીત થતી આવી છે. આદિમાનવોનો વસવાટ પણ જળ-જંગલમાં થયો હોવાનું પુરાણોમાં પ્રસિધ્ધ છે. આદિ માનવે અગ્નિ પેટાવી ખોરાક-પાણી અને શિકાર કરીને જંગલમાં જીવન ગુજારતો હતો અને કાળક્રમે ચક્રની શોધ પથ્થરના ઓજાર, ધાતુના ઓજાર બનાવી પ્રગતિની પગદંડી શરૂ કરી.
રામાયણ-મહાભારતની વાત કરીએ તો પંપા સરોવરના કિનારે માતંગ ઋષિનો આશ્રમ હતો, જંગલમાં શબરીબાઇની ઝૂપડી હતી, શબરી રામની પ્રખર ભક્ત હતી, ભગવાન રામ વનવાસ દરમ્યાન શબરીને ઝૂપડીએ સ્વયંમ પધારીને શબરીના બોર આરોગ્યા હતાં.
આજે આપણે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા યાહા, યાહકી એટલે મા મોગી એટલે માતાજી તેથી તેને યાહા મોગી માતા, પાંડોરી માતા તરીકે લોકો પ્રેમથી કહે છે પાંચ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ભારતના ભૂ-ભાગમાં અહર્નિશ શૌર્ય સાહસ મહેકતી રહી છે પરિશ્રમી છે ગુજરાતમાં ભરાતા ભાતીગળ લોક મેળા કલા સંસ્કૃતિ અને પરંપરાની વાત કરીએ.
યાહા મોગી માતા દેવમોગરાની જય… પાંડોરી માતાની જય…આદિવાસી કુળદેવી માતાની જય… જય આદિવાસી… જય જોહાર…..
ભારતીય સંસ્કૃતિ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે સાંસ્કૃતિક પરંપરાની આદિવાસીની ઓળખ ગરવી ગુજરાતની વાત કરીએ તો અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં આદિજાતિ સંસ્કૃતિ, અરવલ્લીની હારમાળા ડુંગર-જંગલ-નદીઓના કિનારે ખળ-ખળ વહેતા ઝરણાની સાથે ઝીલાય છે જ્યાં ખેતી-પશુપાલન-વનપેદાશ વીણીને ભણીને જીવનને નિજાનંદ મસ્તબની રહે છે માનવ જીવનમાં આનંદ અને વનચેતનાના કેસુડાના રંગ છાટણાથી લોક હૈયાને હિલોળે ચઢાવનાર પરંપરાગત ભાતીગળ લોક મેળાઓ લોક જીવનના ધબકાર સમાન છે ખેતી કાર્યો પૂર્ણ કરીને તેઓ ગુજરાતમાં ભરાતા લોક મેળાને મ્હાલવા મન મૂકીને મેળામાં ઉમટી પડે છે. ગુજરાતમાં નાના-મોટા મેળાઓ તરણેતરનો મેળો, શિવરાત્રીનો ભવનાથનો મેળો, માધુપુર ઘેડનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો લોક મેળો, નકળંગનો મેળો, કચ્છનો મેળો, અંબાજીનો મેળો, ચૈત્રી પુનમનો મેળો, બહુચરાજી, શામળાજીનો મેળો, મીરાં દાતારંનો મેળો (ઉનાવા) ચિત્ર-વિચિત્રનો મેળો, કાત્યોકનો મેળો (સિધ્ધપુર) વરાણાનો મેળો (વઢિયાર પંથક) પલ્લીનો મેળો (રૂપાલ) કાળિયા ઠાકોરનો મેળો (ડાકોર) વૌઠાનો મેળો (ધોળકા) ભરૂચના મેળાઓ કવાંટનો મેળો, ગાય-ગૌહરીનો મેળો, ચૂલનો મેળો, ગોળ-ગધેડાનો મેળો, ડાંગ દરબાર પણ ભરાય છે. ત્યાં પ્રદેશ-વિસ્તાર પ્રમાણે લોકો ઉમટી પડે છે. આ મેળાએ તો હવે વિદેશના લોકોને પણ ખૂબ ઘેલુ લગાડયું છે. સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્રનો મેળો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યાં પણ આદિવાસી સંસ્કૃતિ પરંપરાની ઝાંખી થાય છે. ત્યારબાદ વાત કરીએ તો શામળાજીનો મેળો પણ કાળિયા ઠાકરનો સુપ્રસિધ્ધ છે. આ મેળામાં ગવાતું ગીત પણ મશહૂર છે. ‘‘શામળાજીને મેળે રેઝણયું પેઝણીયું વાગે હાલને છોરી હાલને રેઝણિયું પેઝણીયું વાગે શામળાજીને મેળે જઈએ’’. મહિસાગર જિલ્લામાં માનગઢ ગુરૂ ગોવિંદની ધૂણી ખાતે માગશરી પૂનમે ભરાતા મેળામાં ભગત-ભગતાણીઓ તથા અન્ય રાજસ્થાન-મધ્યપ્રદેશ-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. દાહોદ જિલ્લામાં હોળી-ધૂળેટી વખતે ગોળ ગધેડાનો મેળો જેસાવાડા ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાં પણ લોકો પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો ઢોલના તાલે નાચી ઉઠે છે. એજ રીતે છોટાઉદેપુરનો કવાંટનો ભંગોરિયાનો મેળો પણ આદિજાતિ સંસ્કૃતિ પહેરવેશ અને આભૂષણો રંગબેરંગી વસ્ત્ર પરિધાન અને વાંસળી-પાવા-ટીમલીના તાલે ઝુમી ઉઠે છે અને લોકોનું મન મોહી લે છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં શિવરાત્રીના પાવન અવસરથી પાંચ દિવસ સુધી દેવમોગરા પાંડોરી માતાના મેળામાં પાંચ રાજ્યોના લોકો ડે-નાઈટ ઉમટી પડે છે. પ્રથમ દિવસે યાહા મોગી માતાની મૂર્તિના સ્નાન કરાવવાની ગઢ યાત્રા વિધિમાં શોભાયાત્રા અને પારંપારિક વાજીંત્રો, પાવરી, ઢોલ, માદળ, વાંસળી અને શરણાઈ ત્રાંસા અને બેન્ડ વાજા પાર્ટી સાથે મન મૂકીને હજ્જારો લોકો ઝુમી ઉઠે છે.
આ દેવમોગરા માતાની મૂર્તિ સુવંર્ણની ચમક અને માતાજીનું સૌંદર્ય શોળે કળાએ ખીલી ઉઠે છે. માથે હીજારી ટોપલીમાં ખેતરમાં પકવેલું અનાજ-કઠોળ, ફળ-ફૂલ અને મહુડાનો હોરો હોબ માતાજીના ચરણોમાં મહિલાઓ સજીધજીને અર્પણ કરીને દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આદિવાસી સેવક પુજારી દ્વારા તેમને ખોબલે ખોબલે અન્નનો પ્રસાદ આપે છે જે અનાજ તેઓ ધન-ધાન્યની કોઠીમાં મૂકે છે. તે પ્રસાદથી ઘરમાં અનાજ કયારે ખૂટતું નથી બરકત આવે છે તેવી માન્યતા છે કાકડના ઝાડને જોઇને તેના આધારે વર્ષ-વરસાદનો વરતારો નક્કી થાય છે. યાહા મોગી માતા અન્નપૂર્ણા છે. અહી માતાજીના સૂવર્ણ મૂર્તિની પૂજા કર્યા બાદ શ્યામ પથ્થરની મૂર્તિના પણ દર્શન કરી ભકતો ચૂંદડી, કંકુ, શ્રીફળ, પૈસા અને ફુલહાર ચઢાવે છે. યાહા મોગીમાતા કરૂણા-પ્રેમ અને ભકતોની રખેવાળી કરનારી રખોપા માતા છે. લાખો ભકતો જંગલ જમીન પર રાત્રે મંદિર પરિસરની આસપાસ સૂઈ જાય છે. પણ ક્યાંય કોઈને ઉની આચ આવવા દેતી નથી. યાહા મોગી માતાની સંઘર્ષ કથા અને સ્વંય જમીનમાંથી પ્રગટ થયેલી ધરતી માતા આ ધરતીનો સાંસ્કૃતિક આદિવાસી ધબકાર છે. અહી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાવિકો તથા મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનની કોઇને ભૂખ્યા રહેવાનો અવકાશ નથી.
દેવોના દેવ મહાદેવ શિવજી શિવરાત્રીએ પુજારી અને લોકો દ્વારા પુજા કરી મહાશિવરાત્રીથી શરૂ થતો પરંપરાગત ભાતીગળ મેળામાં ગઢ યાત્રા અને રાજવી પરિવાર દ્વારા સ્નાન વિધિ કરાય છે બીજા દિવસે શોભા યાત્રા કાઢી યાહા મોગી માતાને મંદિર પરિસરથી લઇ જઇને નદીના કુંડમાં સ્નાન કરાવીને પરત સુવર્ણ મૂર્તિને પરત મંદિરમાં પૂજા વિધિ સાથે શણગારથી સ્થાપિત કરવામાં આવે છે ત્યારથી પાંચ દિવસ સુધી આ મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે છે અને ભાવિકો શ્રધ્ધા પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે સોંગાડીયા, કિન્નર સમાજના માતાજી પણ સજી-ધજીને મેળામાં મન મૂકીને નાચીને ઝૂમી ઉઠે છે અને નયન-રમ્ય દ્રશ્યો સર્જાય છે આ મેળામાં મહિલાઓ ચાંદીનાં પરંપરગત ઘરેણા પહેરી નવોઢાની જેમ સજીધજીને માથે હિજારી મૂકીને આકર્ષણનું કેન્દ્ર બને છે. માતાજીના દર્શને આવતી મહિલાઓ ચુસ્ત નિયમોનું પાલન કરી ઉપવાસ રાખીને દર્શને આવે છે. આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતા, કોંણી માતા, યાહા મોગી પવિત્ર તીર્થ સ્થળ એટલે દેવ મોગરા આ સ્થળને ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડ દ્વારા પણ વિકસાવવામાં આવ્યું છે. સાતપુડાની તળેટીમાં ગીચ જંગલ વચ્ચે વસેલું આ પવિત્ર સ્થળ લીલી વનરાજી હરિયાળી અને પ્રાકૃતિક સૌદર્યના અનોખા દર્શન અને ભાવ જગાડે છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હારમાળા વિસ્તારને હેલોદાબ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પહેલા આદિવાસીઓના રાજા પણ વિધ્યમાન હતા અને પ્રજાના રક્ષણ કલ્યાણ માટે કાર્ય કરતા હતાં.
ગુજરાતમાં અન્ય મેળાઓમાં તરણેતરનો મેળો, માધુપુર ઘેડનો મેળો, વૌઠાનો મેળો, સિધ્ધપુરનો મેળો. આમ, કચ્છથી ડાંગ સુધીના પ્રદેશમાં લોકો ખેતી કાર્યો પૂર્ણ કરીને મેળામાં નીજાનંદ આનંદ અને હળવાસ રિલેક્શ થઇને મનને હળવું કરવા દુઃખને ભૂલીને નિરંતર જીવનમાં એક નવી તાજગી ઉમંગ-ઉત્સાહ સાથે નવો જોમ જુસ્સા સાથે વિકાસની કેડી પર ચાલી પડે છે મેળામાં જઈને મ્હાલવું, જોવું અને મેળાને નજરે જોઈને મનને પુલકિત કરવુંએ પણ એક થેરાપી છે. આમ, પ્રકૃતિ-સંસ્કૃતિ, પરંપરા, ગ્રામીણ લોક જીવનનો ધબકાર જીવંત અને બરકરાર રાખવામાં આ મેળાઓ એક ઉર્જા ઉર્દિપકનું કામ કરે છે. હે… જી… મેળે મેળે મોરલડી હેલે ચડી, હેલે ચડીને રંગરેલે ચડી હે…જી… મેળે મેળે મારલડી હેલે ચડી, લોકમેળામાં લોક હૈયે હૈયું દળાય તેવી ભીડ હોય છે પણ ભીડને માણવી અનુભૂતિ કરવીએ પણ એક આનંદ છે. જીવવું અને જીવંત રહેવું આ બે બાબતોમાં ફરક છે. ઉત્સવો-મેળાઓ મનુષ્યને જીવંત રાખે છે મેળાઓ માનવીના જીવનમાં ઉત્સાહ ઉર્જા-ઉમંગના ઊંજણનું કામ કરે છે. તહેવાર મેળાનું આગમન એટલે ઉલ્લાસ-આનંદનું આગમન રોજીંદા જીવનને નાવિન્યપૂર્ણ બનાવવાનું શ્રેષ્ઠ કાર્ય ઉત્સવો-તહેવારો મેળાઓ કરી જાય છે. તો આપ ગુજરાતમાં ભરાતા ગમે તે એક મેળાના સ્થળની મજા-આનંદ લેજો માણજો જાણજો અને સોશિયલ મીડીયા માધ્યમથી અન્યને પણ સહભાગી બની જાણકારી માહિતી પ્રદાન કરી શકો છો. આ ઉપરાંત આવનાર શ્રદ્ધાળુઓ માટે જમવા માટેની વ્યવસ્થા જુદા-જુદા સેવાભાવિ ૪૦૦ સ્વયં સેવકો દ્વારા ભંડારાનું તથા મંદિરમાં વ્યવસ્થાપન માટેનું
આયોજન કરવામાં આવે છે.




