BHARUCHGUJARAT

ભરૂચ શહેરના 9 વર્ષ જૂના ભુગૃઋુષિ બ્રિજના ડીવાઇડરના બે ભાગ તોડાયાં

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવતાં ભુગૃઋુષિ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. શકિતનાથ તરફથી આવતાં વાહનો જયારે બ્રિજ પરથી નીચે ઉતરે છે ત્યારે અંકલેશ્વર તરફથી આવતાં સર્વિસ રોડ અને બ્રિજ પર ટ્રાફિકજામ થઇ જાય છે. સવારના સમયે આ બ્રિજ પરથી 200થી વધારે લકઝરી બસો પણ પસાર થાય છે.
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવવા માટે અગાઉ કસક ગરનાળા સિવાય કોઇ વિકલ્પ ન હતો. 9 વર્ષ પહેલાં ભુગુઋુષિ બ્રિજનું નિર્માણ કરવામાં આવતાં શહેરીજનોને રાહત સાંપડી હતી. 31 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બનાવવામાં આવેલો બ્રિજ જ હવે ટ્રાફિકનું એપી સેન્ટર બની ગયો છે. બ્રિજ ઉતર્યા બાદ સામે તરફ જવા માટે સુચારૂ આયોજન નહિ હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. આ બ્રિજ પરથી રોજના 20 હજાર જેટલા વાહનો પસાર થાય છે. સવારે અને સાંજે પીક અવર્સમાં બ્રિજ પર ચકકાજામ થઇ જાય છે.
ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા માટે ડિવાઇડરનો કેટલોક ભાગ તોડી નાખવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ અને પશ્ચિમ ભરૂચને જોડતી કનેક્ટિવિટીમાં વધારો થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળવા સાથે વાહનચાલકોનાં સમય અને ઇંધણની બચત કરવા આ બ્રીજનું નિર્માણ થયું હતું. શહેરના પૂર્વ -પશ્ચિમ વિસ્તાર કસક ગરનાળા તથા નંદેલાવ ઓવરબ્રિજથી એકબીજા સાથે સંકળાયેલાં છે.
વાસદથી દહેગામ સુધીના એકસપ્રેસ હાઇવેને ગત વર્ષથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે. આ હાઇવે પરથી આવતાં કાર ચાલકો શહેરમાં થઇને નર્મદા મૈયા બ્રિજ પર જાય છે તેના કારણે કસક ગરનાળામાં પણ ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. દરરોજ સવારે અને સાંજે પીક અવર્સમાં કસક ગરનાળા અને ભુગુઋુષિ બ્રિજ પર જામ રહેતો હોવાથી હજારો વાહનચાલકો અટવાઇ રહયાં છે.

Back to top button
error: Content is protected !!