
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની નડગચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચનાં પતિ અને ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના મહામંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ગ્રુપ ગ્રામ પંચાયતનાં જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા 14 વર્ષથી પંચાયતમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.તેમજ નડગચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મુરંબી ગામ ખાતે અંદાજીત ચાર લાખ રૂપિયાના ખર્ચે ગરનાળાનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ નાળાનાં કામમાં ભાજપના મહામંત્રી દ્વારા માત્ર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચા એ પંથકમાં જોર પકડ્યું છે.મળતી માહિતી અનુસાર, નડગચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મુરંબી ગામે નાળાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલી છે.ગામના યુવાનોએ જણાવ્યું હતુ કે, મુરંબી ગામે મેટલનો રસ્તો પણ નથી,પરંતુ સરપંચનાં પતિ દિનેશ ભોયે પોતાના ખિસ્સા ભરવા માટે ગ્રામ પંચાયતની ગ્રાન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે.ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ કે વોર્ડના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ મનસ્વી રીતે સમગ્ર કારભાર સરપંચ પતિ એવા દિનેશ ભોયે દ્વારા કરવામાં આવે છે. તેમજ જો કોઈ સભ્ય વિરોધ કરે કે પોતાનો અવાજ ઉઠાવે તો તેને પાંચસો રૂપિયાની નોટ આપીને ચૂપ કરી દેવામાં આવે છે તેવી ચર્ચા જોવા મળી રહી છે.ડાંગ ભાજપના મહામંત્રી દિનેશ ભોયેનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પોહચ્યો છે અને મહામંત્રી દિનેશ ભોયે પોતાના સત્તાના નશામાં એટલા ચૂર થઈ ગયા છે કે તેઓ જાહેરમાં કહે છે કે,” પોતે ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાથી ગ્રામ પંચાયત થી લઈને કેન્દ્ર સરકારમાં અમારી સરકાર છે તેથી મારું કોઈ પણ ઉખાડી શકે તેમ નથી. “ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે,આજ સુધીના તમામ કામો તેમની મનમાની મુજબ જ કરવામાં આવ્યા છે ? તો શું જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં પતિરાજ ચાલી રહ્યો છે કે કેમ ? ડાંગ જિલ્લામાં પણ મહિલા સરપંચનું અસ્તિત્વ જ નથી કે શું ? આવા અનેક સવાલ સાથે વહીવટી તંત્રના દાવાઓ પણ પોકળ સાબિત થતાં જોવા મળી રહ્યા છે.વધુમાં લોક ચર્ચાનું માનીએ તો,જો ઝીણવટથી તપાસ કરવામાં આવે તો સરપંચ અરુણાબેન ભોયેને પણ ખબર નહીં હોય કે તેમના ગ્રામ પંચાયતમાં કેટલા કામો મંજૂર થયા છે.અને કેટલા પ્રગતિમાં છે. અર્થાત ગ્રામ પંચાયતનો સમગ્ર કાર ભાર સરપંચપતિ એવા દિનેશ ભોયે દ્વારા કરવામાં આવે છે અને આખરે કઈ જગ્યાએ શું કામ ચાલે છે તેની જાણ પણ મહિલા સરપંચ એવા અરુણાબેન ને નથી ? આ મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને સ્થળ તપાસ કરવાની માંગ કરી છે. કારણ કે જો યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ બહાર આવે તેમ છે.તેમજ અંદાજિત ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટના ખર્ચે બનનારા નાળાના કામમાં ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી દીનેશ ભોયે દ્વારા માટીથી પુરાણ કરીને ભય વગરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ડાંગ ભાજપના મહામંત્રી દિનેશભાઈ ભોયે દ્વારા નાળાના કામમાં નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવતા પંથકમાં અનેક ચર્ચાઓ સાથે અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર આક્ષેપો બાદ વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને શું ખરેખર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થાય એમ છે..




