GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોય તે મુદ્દા પર ‘આપ’ છાત્રવિંગ CYSS દ્વારા VCને પુરાવા સોંપવામાં આવ્યા.

તા.૨૧/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

શું પરીક્ષા સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે?: આપ CYSS

ચાલુ પેપરે જવાબ વાયરલ થયા : આપ CYSS

અમરેલી કોલેજમાં ૧૦:૩૦ વાગ્યે પેપર શરૂ થતાં જ વોટ્સઅપ ગ્રૂપ માં જવાબો ફોરવર્ડ થયા : આપ CYSS

પેપર લીક બાદ ફરીથી આ ઘટના સામે આવી છે તો અમારો સવાલ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે?: આપ CYSS

Rajkot: આમ આદમી પાર્ટીના છાત્રવિંગ CYSSના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડાએ આમ આદમી પાર્ટીના છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીને એક ગંભીર મુદ્દા પર રજૂઆત કરી હતી. આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરતા સુરજ બગડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે અને દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવશે, આની સાથે સાથે સ્ક્વોડની ટીમ પણ દરેક સેન્ટરની તપાસ કરતી હોય છે. બીજી બાજુ હાલ એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જે અનુસાર અમરેલીના એક સેન્ટર અંદર પરીક્ષાનો સમય 10:30 વાગ્યાનો હોય ત્યારે 10:30 વાગ્યાથી જ પ્રશ્નપત્રના સવાલોના જવાબો આપવાનું શરૂ કરી દેવામાં આવે છે.

પ્રશ્ન નંબર એકનો જવાબ આ, પ્રશ્ન નંબર બેનો જવાબ આ, એ રીતે તમામ પ્રશ્નોના જવાબ ફરતા કરવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓ એકબીજા સાથે પ્રશ્નોના જવાબની આપ લે કરે છે. તો અમારો સવાલ છે કે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે? પરીક્ષામાં આવી ઘોરબેદરકારી કઈ રીતે થઈ શકે? આ અગાઉ પણ વારંવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયા છે અને હવે ફરીથી આ ઘટના સામે આવી છે તો અમારો સવાલ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે? આજે અમે આ મુદ્દા પર પુરાવાઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી છે. હાલ એમણે આ મુદ્દા પર તપાસ કરવાની બાંહેધરી પણ આપી છે. અમે આશા રાખીએ છીએ કે આ મુદ્દાની તમામ હકીકતો સામે આવશે અને જો કોઈ સેન્ટર પર આવી ઘટનાઓ બની હશે તો તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!