બનાસકાંઠામાં કલા મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લાના કલાકારોએ આગામી ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધી અરજી કરવાની રહેશે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે.જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની તા. ૩૦/૦૬/૨૦૨૫ થી તા. ૨૦/૦૭/૨૦૨૫ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કુલ ચાર વય જૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ ૦૯ કૃતિ છે. જેમાં સ્કૂલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) અને ઓરગન સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ કૃતિ છે. જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને વાંસળી સ્પર્ધાઓ જ્યારે રાજ્ય કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ કૃતિ છે. જેમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓનું આયોજન યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા/ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે, તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટે તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોએ પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. કોઈ પણ સ્પર્ધક એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા જિલ્લા સેવા સદન-૨, S/૨૧, બીજો માળ, પાલનપુર ખાતેથી મેળવીને તારીખ ૨૦/૦૭/૨૦૨૫ સુધીમાં જમા કરાવવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી બનાસકાંઠાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.




