ચુડા ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર અને નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો
ચુડા ખાતે ૨૧૫ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો

તા.10/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચુડા ખાતે ૨૧૫ દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો
મિશન “અંત્યોદય”ના સંકલ્પને સાકાર કરવા અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની સુલભતા વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા “આયુષ્માન ભવ: અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સી.યુ. શાહ મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક આયુષ્માન આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચુડા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના કુલ ૨૧૫ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો આ કેમ્પમાં સ્ત્રી રોગો, બાળકોના રોગો, હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ-બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, લકવા (સ્ટ્રોક), કિડનીના રોગો, આંખ, મોં, કાન, નાક અને ગળાના રોગો, પેટને લગતા રોગો, માનસિક રોગો, ચામડીના રોગો, લોહીની ઉણપ, દાંત-પેઢાના રોગો અને હાડકા-સાંધાના રોગો સહિત વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત, મોંઢાના શંકાસ્પદ કેન્સર, સ્તન અને ગર્ભાશયના મુખના શંકાસ્પદ કેન્સરની તપાસ, સ્થૂળતા-મેદસ્વિતા માટે BMI તપાસ, ગર્ભાશયના મુખની પેપ સ્મીયર તપાસ, જનરલ ઓપીડી, ફેમિલી પ્લાનિંગના ઓપરેશન, લેબોરેટરી પરીક્ષણો અને દવાઓ પણ તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી સી.યુ. શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના તમામ રોગોના નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી એચ.આઈ.વી. એઈડ્સનું માર્ગદર્શન સલાહકાર વી.બી. રાઠોડ દ્વારા આપવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ચુડા સી.એચ.સી.ના અધિક્ષક ડૉ. નીરજ પરમાર અને એકાઉન્ટન્ટ મુકેશ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર,ચુડા આરોગ્ય ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.




