ગુજરાતમાં 8326 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું, 25મી જૂને આવશે પરિણામ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં આજે (22મી જૂન) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની સરાડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેનું મુખ્ય કારણ માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવ્યું હોવું હતું. મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં, મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે મતદાનનો નિર્ધારિત સમય પૂરો થયા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલુ રહે તેવી આશંકા જોવા મળી. નોંધનીય છે કે, અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અહીં બે મતદાન મથકો હતાં. આ વખતે ચૂંટણી અધિકારીને બે મતદાન મથક ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં, માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવતાં મતદારોમાં ભારે રોષ અને હાલાકી જોવા મળી હતી.
ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ-દીકરો સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. એકબીજાને હરાવવા માટે બંને જણાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. કચ્છ જિલ્લામાં આજે ત્રણ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાપરના ચિત્રોડ ગામે પંચાયતની ચૂંટણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. મતદાન બાબતે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાવના પગલે રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મોટીહાંડી ગામે મતદાન દરમિયાન બબાલ થઈ હતી. આ દરમિયાન સરપંચ અને સભ્યોના 43 બેલેટ ગુમ થતાં મતદાન બંધ કરવું પડ્યું હતું. મતદાન બુથમાં માથાકુટને પગલે ઝાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરાવી હતી. ધામણખોબરા પ્રાથમિક શાળાના બુથ નંબર-2માં ચૂંટણી પ્રક્રિયાની અમુક સામગ્રી ગુમ થતા છેલ્લા 2 કલાકથી મતદાન બંધ કરાયું હતું. સમગ્ર ઘટનાને દાહોદ જીલ્લા પોલીસ વડા, DYSP, PI, LCB તેમજ ઝાલોદ SDM અને ઝોનલ અધિકારી સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો.
શહેરા તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતમાં મતદાન ચાલી રહ્યું છે. મંગલપુર ગામના બુથ નંબર 1 અને 2માં મતદારોનો જમાવડો થયો હતો. મોટી સંખ્યામાં મહિલા અને યુવાન મતદારોની લાંબી લાઇન લાગી હતી. વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા લાઇનમાં લાગી ગયા છે. લોકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાવનગરના ફરિયાદકા ગામે ચૂંટણીમાં મતદાન વખતે બોગસ મતદાનનો આરોપ લાગતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. વિદેશમાં રહેતા બે મતદારોના બોગસ મતદાન કરાયાના દાવા કરવામાં આવી રહ્યુ છે.
વડોદરા જિલ્લામાં લાંબા સમય બાદ આજે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો મતદાન માટે ઉત્સાહ બતાવી રહ્યાં છે. સવારે 11 વાગ્યા સુધીમાં 20 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વડોદરા, જિલ્લામાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લાના આઠ તાલુકા વડોદરા ગ્રામ્ય, પાદરા, ડભોઈ, વાઘોડિયા, કરજણ, શિનોર, સાવલી અને ડેસર તાલુકામાં કુલ 208 પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ 10 બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ પંચાયતોમાં સૌથી વધુ પાદરા તાલુકામાં અને સૌથી ઓછી શિનોર તાલુકામાં પંચાયતોની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું.
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચપદ માટે કુલ 584 અને સભ્યપદની ચૂંટણી માટે કુલ 2471 ઉમેદવારો વચ્ચે જંગ છે. સાજે છ વાગ્યા સુધી મતદાન બાદ ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીઓમાં સીલ થઇ જશે. મતદાન દરમિયાન ઓળખપત્ર સહિત કેટલાક મુદ્દાઓ પર બુથ પર સામાન્ય રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગ્રામ ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. કુલ 3,656 સરપંચ અને 16, 224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ થઈ છે.




