Rajkot: રાજકોટ શહેરમાં રોડ રીપેરીંગ કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનરશ્રી

તા.૧૪/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
લોકોને પડતી મુશ્કલીનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વસ્ત કરતા કમિશનરશ્રી તુષાર સુમેરા
મોટા મવા વિસ્તારમાં અમરનાથ પાર્ક, ઓમનગર, સરિતા વિહાર સહિત વિવિધ સ્થળોમાં ચાલી રહેલી રોડ રીસ્ટોરેશનની કામગીરી ચાલુ
બીજા રીંગ રોડ સંલગ્ન વર્ધમાનનગર, વીર વીરુ તળાવ તથા અન્ય સોસાયટીઓમાં પેચવર્ક તેમજ મેટલીંગ કામગીરીથી રસ્તા સમથળ કરાયા
પરસાણા ચોકથી કણકોટ એન્જિનીયરિંગ તરફ નવા રોડને પહોળો કરી મેટલિંગ વડે સમથળ કરવાની કાર્યવાહીનો પ્રારંભ
Rajkot: “સાહેબ…! અહીં રોડની હાલત બહુ જ ખરાબ છે, રોડ પર કાદવ કીચડ ઉભરાતા બાળકોને સ્કૂલ મુકવા જવામાં બહુ મુશ્કેલી થાય છે.” વિવિધ વિસ્તારમાં મહિલાઓના આ સુરને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ ધ્યાનથી અને સંપૂર્ણ સમભાવપૂર્વક સાંભળ્યા હતાં. સ્થાનિકોના દર્દને સમજતા હોવાનું કમિશનરશ્રીએ જણાવી સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીનો વહેલી તકે અંત આવશે, તેવો સધિયારો પણ પૂરો પાડ્યો હતો.
કમિશ્નરશ્રીએ નાગરિકોની સમસ્યા પ્રત્યે માનવીય વલણ દાખવતાં જણાવ્યું હતું કે, ખાસ કરીને નવા રાજકોટમાં પીવાના પાણીની લાઈન તેમજ ડ્રેનેજ માટે વ્યવસ્થા કરવા રોડ ખોદવા પડેલા, આ રોડને ત્યાર બાદ સમથળ પણ કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ ડામર કામ કે રીકાર્પેટિંગ થાય તે પહેલાં જ વરસાદ આવતાં રોડની ખરાબ પરિસ્થિતિ થવા પામી છે. કમિશનરશ્રીએ વિવિધ વિસ્તારોના રોડ પાકા અને મોટરેબલ બને તે માટે ટેન્ડરિંગ સહિતની કામગીરી થઈ ચુકી હોવાનું પણ જણાવ્યું હતું. હાલના સમયે લોકોને હાલાકી ન થાય તે માટે સરકારશ્રીની લાગણી મુજબ હાલ મેટલીંગ કામગીરી સતત ચાલી રહી હોવાનું પણ શ્રી સુમેરાએ સ્થાનિક લોકોને જણાવી તેઓને ધરપત આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વોર્ડમાં પેચવર્ક તેમજ મેટલીંગ કામગીરી દ્વારા વાહન ચાલકોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે. જેને અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ વિવિધ સ્થળ પર હાજર રહી કામગીરીનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે.
રાજકોટના વોર્ડ નંબર ૧૧ ના મોટા મવા વિસ્તારમાં અમરનાથ પાર્ક, ઓમનગર, સત્યમ પાર્ક, તુલસી હાઈટ્સ, સરિતા વિહાર સોસાયટીમાં રોડ પર કાદવ કીચડ દૂર કરી મોરમ નાખી મેટલીંગ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
જયારે બીજા રીંગ રોડથી જોડાયેલા વિસ્તારોમાં વીર વીરુ તળાવ પાસે તેમજ વર્ધમાન નગરમાં રોડ સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે પરસાણા ચોકથી એન્જિનીયરિંગ કોલેજ તરફ કણકોટ તરફ જતા ૨૪ મીટરના રોડને વાહન ચાલકો માટે સુગમ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
કમિશ્નરશ્રીએ આ તકે રાજકોટવાસીઓને જણાવ્યું છે કે, એક સાથે અનેક વિસ્તારમાં વરસાદની કપરી પરિસ્થિતમાં રાત દિવસ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી લોકોની મુશ્ક્લી વહેલી તકે દૂર કરી શકાય. કમિશ્નરશ્રીની મુલાકાત વેળાએ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, સીટી ઈજનેર શ્રી કુંતેશ મહેતા તેમજ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.





