BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા GIDC સ્થિત થરમેક્ષ કંપનીમાં દશ ફુટ ઉંચેથી પટકાયા બાદ કામદાર નું મોત અન્ય એક કામદાર ઈજાગ્રસ્ત થયો .

ઝઘડિયા જીઆઇડીસીમાં અઠવાડિયા દરમિયાન બીજી જીવલેણ દુર્ઘટનાને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠ્યા

 

થર્મેશ કંપનીના વેર હાઉસમાં ગાડી પર મુકેલ પીંજરૂ નમી પડતા તેના પર ઉભેલ એક કામદારનું મોત-એકને ઇજા

 

 

જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં વધતી જતી જીવલેણ ઘટનાઓને લઇને લેબર કોન્ટ્રાક્ટરો અને કંપની સંચાલકોની બેદરકારીથી લોકોમાં રોષ

 

ઝઘડિયા તા.૨ ઓગસ્ટ ‘૨૫

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં દિવસેદિવસે વધતી જતી જીવલેણ દુર્ઘટનાઓને પગલે જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થયા છે. ચાલું સપ્તાહ દરમિયાન જીઆઇડીસીમાં બે કંપનીઓમાં બે કામદારોના મોત થતાં જીઆઇડીસીની કંપનીઓમાં કામદારો કામ પર મુકતા લેબર કોન્ટ્રાક્ટરો અને કંપની સંચાલકોની બેદરકારી છતી થઇ છે. ગત તા.૨૮ મીના રોજ જીઆઇડીસીની વેલસ્પુન કંપનીમાં કલરકામ કરતા એક કામદારનું નીચે પડી જતા સારવાર દરમિયાન મોત થયું હતું,જ્યારે હાલમાં તા.૧ લીના રોજ ઝઘડિયા જીઆઇડીસીની થર્મેક્ષ કંપનીમાં એક ૪૬ વર્ષીય કામદારનું રીસ્ટક ગાડી પર મુકેલ પીંજરા પરથી નીચે પડી જતા મોત થયું હતું. મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના કુરલા ગામનો ૪૬ વર્ષીય મયુરકુમાર મણિલાલ પટેલ નામનો ઇસમ તા.૧ લીના રોજ સવારના ૧૦-૪૫ કલાક દરમિયાન થર્મેશ કંપનીના વેર હાઇસ ખાતે ગાડીના હાઇડ્રોલિક ઉપર પીંજરૂ મુકીને તેના પર ઉભો રહીને સામાનનો સ્ટોક ગણતો હતો,તે દરમિયાન પીંજરૂ નમી જતા મયુરકુમાર તથા તેની સાથેનો નિગમભાઇ સિંહ નામનો કામદાર બન્ને નીચે પડી ગયા હતા,આ ઘટનામાં મયુરકુમાર પટેલ ગંભીર રીતે જખ્મી થતાં તેનું સ્થળ ઉપરજ કરૂણ મોત થયું હતું,જ્યારે તેની સાથેના નિગમભાઇને પણ ઇજા થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો. ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઇડીસીમાં ચાલુ સપ્તાહ દરમિયાન લાગલગાટ બે કંપનીઓમાં કુલ બે કામદારોના મોત થતાં આ જીવલેણ ઘટનાઓને લઇને તાલુકાની જનતામાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા,અને લોકોમાં રોષ ફેલાયો હતો. જીઆઇડીસીમાં છાસવારે સર્જાતી જીવલેણ ઘટનાઓને લઇને જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી.

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!