નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિદ્યાર્થીઓએ રેલી તથા માનવકૃતિના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો
દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત નવસારી જીલ્લામાં સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા એક સપ્તાહથી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે જેના હેઠળ નવસારીની એ.બી.સ્કૂલ સહિત અન્ય શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ જનજાગૃતિ અભિયાનમાં શાળાના વિધાર્થીઓ દ્વારા એક પેડ મા કે નામ ” અંતર્ગત વૃક્ષારોપણ કરીને પોતાના વાવેલા વૃક્ષને સાચવવાનો સંકલ્પ લીધો હતો તેમજ તમામ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે શપથ લીધા હતા. જેમાં સિંહોના કુદરતી નિવાસ સ્થાનનું રક્ષણ કરવા અને સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નવસારી જિલ્લામાં સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવ હેતુસર નવસારીના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક શ્રી ઉર્વશી આઈ. પ્રજાપતિ અને મદદનીશ વનસંરક્ષક શ્રી કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા વિવિધ શાળાઓમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, ગોષ્ઠી તેમજ જાહેર સ્થળોએ રેલી જેવા કાર્યક્રમો કરી “સિંહ બચાવો” સંદેશ આપવામાં આવ્યો હતો તેમ સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા જણાવવામાં આવ્યું હતું.





